ઝામ્બિયાના કાબવેમાં લૂટારાઓએ ગુજરાતી યુવાનને ઠાર માર્યો, ભાઇને ઇજા

ભરૂચના ટંકારિયાના ઇમરાન કરકરિયાના પરિવારમાં શોકનો માહોલ

Wednesday 27th July 2022 07:05 EDT
 
 

લુસાકા

આફ્રિકાના ઝામ્બિયામાં લૂટારુઓ દ્વારા ભરૂચ જિલ્લાના બે સગા ભાઇઓ પર કરાયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું જ્યારે એકને ઇજા પહોંચી હતી. બંને ભાઇ ટંકારિયાના વતની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઘટનાની મળતી માહિતી મુજબ આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે જઈને વસ્યા હતા. ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા, ત્યારે અશ્વેત લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા. રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલને કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો. ભાઈની મદદે અમજદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી, જેના હાથના ભાગે વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે ટંકારિયા ખાતે રહેતા તેમના પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગાર માટે આફ્રિકાના વિવિધ દેશોમાં વસવાટ કરે છે. તેમના પરિવારોમાં પણ સ્વજનોની સુરક્ષાના મામલે ચિંતા પ્રવર્તી રહી છે. ગુજરાતી યુવાનની હત્યાના સમાચાર મળતાં જ કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓના નિવાસસ્થાને દોડી ગયાં હતાં. ઇમરાનની અંતિમવિધિ કાબવેમાં જ કરાશે. તેમના પિતા ઇબ્રાહિમ કરકરિયા ગુજરાત એસટીમાં ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter