ઝિમ્બાબ્વેમાં પ્રમુખપદ માટે પ્રસ્તાવિત બંધારણીય સુધારાથી ભારે હોબાળો

પ્રમુખપદની ચૂંટણીનો અધિકાર જનતા પાસેથી છીનવીને સંસદને સોંપવાની અને પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરવાની યોજના

Tuesday 14th April 2026 11:01 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેમાં સત્તાધારી પક્ષ 'ઝાનુ-પીએફ' દ્વારા બંધારણીય સુધારાની હિલચાલને પગલે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. વિપક્ષી વર્તુળોમાં એવો ભય સેવાઈ રહ્યો છે કે સત્તાધારી પક્ષ ફરી એકવાર સત્તા પર પકડ મજબૂત કરવા માટે લોકશાહીના મૂળભૂત માળખા સાથે ચેડાં કરી રહ્યો છે. આ પ્રસ્તાવિત સુધારા હેઠળ પ્રમુખપદની ચૂંટણીનો અધિકાર જનતા પાસેથી છીનવીને સંસદને સોંપવાની અને પ્રમુખનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરવાની યોજના છે.

ઝિમ્બાબ્વેના પૂર્વ નાણામંત્રી અને પીઢ વિપક્ષી નેતા તેન્ડાઈ બીટીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેમાં આ એક ગુપ્ત રીતે આકાર લઈ રહેલો બળવો છે. બીજી તરફ વર્ષ ૧૯૮૦માં આઝાદી મળી ત્યારથી સત્તા પર રહેલા ઝાનુ પીએફ પક્ષે આ ફેરફારોનો જોરદાર બચાવ કર્યો છે. પક્ષના નેતા પેટ્રિક ચિનામાસાએ જણાવ્યું હતું કે, અમને ઓછી ખર્ચાળ અને ઓછી વિવાદાસ્પદ હોય તેવી વ્યવસ્થા અપનાવતા કોઈ રોકી શકે નહીં.

બંધારણીય સુધારાની મુખ્ય જોગવાઈઓની પ્રક્રિયા અંતર્ગત ચાલી આવતી પ્રત્યક્ષ પ્રમુખપદની ચૂંટણી પ્રક્રિયા નાબૂદ કરવામાં આવશે. સંસદીય અને પ્રમુખપદનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારીને સાત વર્ષ કરવામાં આવશે. ૨૦૨૮માં નિર્ધારિત સંસદીય ચૂંટણીઓ પાછી ઠેલીને ૨૦૩૦માં યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter