ટાન્ઝાનિયામાં 6 વર્ષ પછી વિપક્ષી રેલી

Tuesday 24th January 2023 11:40 EST
 

ડોડોમાઃ ટાન્ઝાનિયાના પ્રથમ મહિલા પ્રમુખ સામીઆ સુલુહુ હાસનની સરકારે દેશમાં રાજકીય પક્ષોની રેલી પર છ વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધા પછી મુખ્ય વિપક્ષ ચાડેમા પાર્ટીના હજારો કાર્યકરો 21 જાન્યુઆરીએ મ્વાન્ઝા સિટીમાં એકત્ર થયા હતા. પ્રતિબંધ હટવાથી ઈસ્ટ આફ્રિકન દેશમાં રાજકીય સ્વતંત્રતાની આશા વધી છે. જમણેરી જૂથો અને વિરોધપક્ષોએ લોકશાહીના ફાયદા તરીકે આ પગલાને આવકાર આપ્યો છે.

ચાડેમા પાર્ટીના ચેરમેન ફ્રીમેન મ્બોવેએ પક્ષના રાજકીય રજિસ્ટ્રેશનની 30મી વર્ષગાંઠ નિમિત્તે શનિવારની રેલીને સંબોધી હતી. હજારો સમર્થકો પક્ષના બ્લુ, લાલ અને શ્વેત રંગના વસ્ત્રોમાં આવ્યા હતા અને પોતાના નેતાઓની પ્રશંસાના ગીતો ગાયા હતા.

‘બુલડોઝર’ તરીકે વધુ ઓળખાતા કડક પ્રમુખ જોસેફ માગુફુલીએ 2016માં રાજકીય પક્ષોની રેલી પર છ વર્ષ જૂનો પ્રતિબંધ લાદ્યો હતો. તેમના અનુગામી અને 22 મહિનાથી સત્તા પર રહેલાં પ્રમુખ સામીઆ સુલુહુ હાસને દિવંગત પ્રમુખની નીતિઓ સાથે છેડો ફાડવાના પ્રયાસમાં વિરોધપક્ષો સાથે સલુકાઈનું વર્તન શરૂ કર્યું છે. ચાડેમા પાર્ટી નવાં બંધારણ અને સ્વતંત્ર ચૂંટણી સંસ્થાની માગણી કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter