નાઈરોબી, દારે સલામઃ ટાન્ઝાનિયામાં ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન હિંસામાં ઓછામાં ઓછાં 518 લોકોના મોત થયા હોવાનું સરકારી ઈન્ક્વાયરી કમિશનના અહેવાલમાં જણાવાયું છે. કમિશને વધુ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશનની ભલામણ કરી છે. વિરોધ પક્ષ ચાડેમાએ કમિશનના તારણોને ફગાવી દીધા હતા.
કમિશનના અધ્યક્ષ મોહમ્મદ ચાંડે ઓથમાને પ્રેસિડેન્ટ હાસનને ઈન્ક્વાયરી રિપોર્ટ સુપરત કર્યો હતો. ઓથમાને કહ્યું હતું કે મૃતકોને ઓળખવામાં મુશ્કેલીના કારણે મૃત્યુઆંક ઓછો ગણાયો હોઈ શકે છે. કમિશને હિંસા માટે દેખાવકારોને જવાબદાર ગણાવ્યા હતા, જેનાથી સરકારના વિરોધીઓ રોષે ભરાયા હતા. ટાન્ઝાનિયાના સત્તાવાળાઓએ અગાઉ મૃત્યુઆંક વિશે કશું જણાવવાનો ઈનકાર કર્યો હતો.
યુએન માનવઅધિકાર ઓફિસે ગયા વર્ષે હિંસામાં સેંકડો લોકો માર્યા ગયાનો અંદાજ દર્શાવ્યો હતો. મુખ્ય વિરોધપક્ષ ચાડેમાએ હજારોના મોતની આશંકા દર્શાવી હતી. આશરે 98 ટકા મત સાથે પ્રમુખપદની ચૂંટણી જીતેલાં સામીઆ સુલુહુ હાસને જણાવ્યું હતું કે દેખાવો તેમની સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ હતો જેને વિદેશી ભંડોળ મળ્યું હતું. જોકે, આ આક્ષેપના કોઈ પૂરાવા અપાયા ન હતા.


