જોહાનિસબર્ગઃ ટ્રમ્પ વહીવટીતંત્ર દક્ષિણ આફ્રિકા સાથે દ્વિપક્ષી સંબંધોમાં કાપ મૂકી દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યું છે ત્યારે પ્રેસિડેન્ટ સીરિલ રામફોસા પ્રમુખ ટ્રમ્પને મનાવવાની મથામણ કરી રહ્યા છે. અમેરિકાએ સાઉથ આફ્રિકાના રાજદૂતોને બ્લેકલિસ્ટ કર્યા છે, તેની યજમાનીમાં ઉચ્ચ અધિકારીઓને મોકલવાનું નકાર્યું છે અને આર્થિક કટોકટી સર્જે તે પ્રકારે ભારે ટેરિફ્સ લાદવાની ધમકી પણ આપી છે.
ટ્રમ્પ સરકારે મે મહિનામાં રામફોસાના વિશેષ દૂત મ્સેબિસી જોનાસને ડિપ્લોમેટિક વિઝા આપવાના ઈનકાર સાથે તેમને સત્તાવાર મધ્યસ્થી તરીકે માન્યતા આપવાનું પણ નકાર્યું હતું. પ્રેસિડેન્ટ ટ્રમ્પે સાઉથ આફ્રિકાની સહાયમાં મૂકેલા કાપ, શ્વેત આફ્રિકનો પર દમન અને ઈઝરાયેલ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ દાખલ કરવાના પગલાને વખોડી કાઢ્યા પછી રામફોસાએ મોબાઈલ ફોન માંધાતા MTN ના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને પૂર્વ ડેપ્યુટી ફાઈનાન્સ મિનિસ્ટર જોનાસને યુએસ સાથે તળિયે ગયેલા સંબંધોને સુધારવા તેમને સત્તાવાર વાટાઘાટકારનો હોદ્દો પણ આપ્યો હતો. બીજી તરફ, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ દક્ષિણ આફ્રિકામાં G20 નાણાપ્રધાનોની બેઠકમાં હાજરી આપી ન હતી તેમજ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓ પણ વિદેશપ્રધાનોની બેઠકમાં હાજર રહ્યા ન હતા.