કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ લોકશાહી અને સુશાસન પર ધ્યાન આપીને લોકલ ગ્રૂપ્સના કાર્યને સહાય આપતા યુરોપિયન દેશોની સહાયથી ચાલતા મલ્ટિમિલિયન ડોલર ફંડને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મુસેવેનીએ જણાવ્યું કે ૧૦૦ મિલિયન પાઉન્ડાના કેશ રિઝર્વ સાથેનું આ ફંડ ઉભું કરતી વખતે તેમની સલાહ લેવાઈ ન હતી. ઈસ્ટ આફ્રિકન દેશમાં આવેલા ખાસ ફોરેન મિશન દ્વારા તેનું સંચાલન થાય છે.
વિવાદાસ્પદ મતદાન પછી ગયા મહિને ફરી ચૂંટાયેલા મુસેવેનીએ ફાઈનાન્સ મિનિસ્ટરને પાઠવેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડેમોક્રેટિક ગવર્નન્સ ફેસિલીટી (DGF) માંથી ઉપાડવામાં આવેલા નાણાંનો ઉપયોગ શાસન સુધારવાના દેખાવ હેઠળ સરકારમાં પરિવર્તન લાવવાના હેતુથી ચાલતી નાણાકીય પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ માટે કરાય છે.
ગઈ ૨ જાન્યુઆરીએ લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે આ પ્રાઈવેટ બિઝનેસનું ફાઈનાન્સિંગ નથી પરંતુ, યુગાન્ડાના ફંડ આપતા લોકોના રાજકીય ઉદેશો પ્રાપ્ત કરવા સરકારી અને બિન – સરકારી સંસ્થાઓનું ફંડિંગ છે. તેમણે તેમની કેબિનેટ આ બાબતની સમીક્ષા ન કરે ત્યાં સુધી ફંડની પ્રવૃત્તિઓ મુલતવી રાખવાનો અને યુગાન્ડન્સ સાથેનું નવું નિરીક્ષક બોર્ડ રચવાનો આદેશ આપ્યો હતો.
ડેપ્યૂટી ટ્રેઝરી સેક્રેટરી પેટ્રિક ઓસૈલેપે એપીને જણાવ્યું હતું કે ફાઈનાન્સ મિનિસ્ટર પાસેથી માર્દગર્શન મેળવ્યા પછી ફાઈનાન્સ મિનિસ્ટ્રી આ મામલાની યોગ્ય સંભાળ લેશે. ફાઈનાન્સ મિનિસ્ટર માટિયા કસાજાએ તબિયત ઠીક ન હોવાનું જણાવીને ટીકા-ટિપ્પણનો ઈન્કાર કર્યો હતો.
ફંડના ચીફ નિકોલ બ્જેલરે ઈમેલથી પૂછાયેલા પ્રશ્રોનો તરત જવાબ આપ્યો ન હતો. ડેનીશ એલચી નિકોલાજ એ એચ પીટરસને ઈમેલની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે ફંડના બોર્ડને સરકાર તરફથી કોઈ ઔપચારિક માહિતી મળી નથી. ડેવલપમેન્ટ પાર્ટનર્સ તરીકે તે સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે.
DGFની સ્થાપના ૨૦૧૧ માં ડેન્માર્ક, સ્વીડન, આયર્લેન્ડ, ઓસ્ટ્રિયા, નોર્વે, નેધરલેન્ડ્સ, યુકે અને યુરોપિયન યુનિયન દ્વારા સરકારી અને બિનસરકારી ગ્રૂપને મદદ કરવાના હેતુથી થઈ હતી.