ડ્રાઈવિંગ વખતે હાથમાં મોબાઈલ ફોનનો ઉપયોગ પ્રતિબંધિત થશે

Tuesday 27th October 2020 15:07 EDT
 
 

લંડનઃ સરકાર ડ્રાઈવિંગ કરતી વખતે હાથમાં મોબાઈલ રાખીને તેનો કોઈ પણ પ્રકારે ઉપયોગ કરવા મુદ્દે કાયદામાં સુધારા લાવી રહી છે. વાહન હંકારતી વેળાએ મોબાઈલનો ઉપયોગ કરનાર વ્યક્તિને ૨૦૦ પાઉન્ડનો દંડ કરાશે અને કાયદામાં ફેરફાર કરતી વખતે સ્માર્ટફોનની સમીક્ષા થશે ત્યારે સંભવિત પ્રતિબંધો મૂકવામાં આવશે. મોટરિંગ એસોસિએશન AA એ કડક કાયદાને આવકાર્યો હતો.

યુકે સરકારે જણાવ્યું કે ૧૨ અઠવાડિયાના પબ્લિક કન્સલ્ટેશન પછી કાયદામાં સુધારો કરાશે. ડ્રાઈવિંગ કરતા ચાલકના હાથમાં મોબાઈલ હશે અને તેનો ઉપયોગ કરતા જણાશે તો પોલીસ તાત્કાલિક પગલાં લઈ શકશે. આ ગુના માટે ૨૦૦ પાઉન્ડનો દંડ અને ડ્રાઈવરના લાઈસન્સ પર છ પોઈન્ટ લાગશે. વાહનચાલકને ગુના દ્વારા કુલ ૧૨ પોઈન્ટ લાગશે એટલે તેના પર આપમેળે પ્રતિબંધ લાગી જશે. જોકે, વાહનચાલકો ટેઈકઅવે જેવા ડ્રાઈવ- થ્રુ બિઝનેસીસ પર માલસામાન કે સેવાની ખરીદી માટે ચૂકવણી કરવાના સાધન સ્વરુપે મોબાઈલનો ઉપયોગ કરી શકશે.

ડ્રાઈવિંગ કરતી વખતે હાથમાં મોબાઈલ રાખીને કોલ અથવા મેસેજ કરવાનું ગેરકાયદે છે. જોકે, ફોટા પાડવા, પ્લેલિસ્ટ સ્ક્રોલ કરવું અને ગેમ રમવા સુદ્ધાનું હજુ સુધી ગેરકાયદે ગણાતું ન હોવાથી તેઓ હાથમાં ફોન સાથે પકડાય ત્યારે આરોપમાંથી છટકી જાય છે. કાનૂની છટકબારીઓને બંધ કરવા માટે સરકાર કાયદામાં સુધારા કરશે. ગુનાની વ્યાખ્યા અત્યારે માત્ર ‘ઈન્ટરએક્ટિવ કોમ્યુનિકેશન’ તરીકે ગણાવાય છે.

રોડ્સ મિનિસ્ટર બેરોનેસ વેરે જણાવ્યું હતું કે, ‘દુનિયાના સૌથી સલામત રસ્તાઓમાં આપણાં માર્ગોનો સમાવેશ થાય છે. પરંતુ, ૨૧મી સદીમાં તેને વધુ સલામત બનાવવાની તકેદારી માટે કાયદો લાવવા માગીએ છીએ. આથી જ,આપણે ડ્રાઈવિંગ કરતી વેળાએ હાથમાં રહેતા મોબાઈલના ઉપયોગને ગેરકાયદે બનાવવા માગીએ છીએ. આનાથી વાહનચાલકોનું ધ્યાન ભટકાય છે જે ઘણું જોખમી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter