તોફાનોને લીધે દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને વધુ એક ફટકો

Wednesday 28th July 2021 02:50 EDT
 
 

જોહાનિસબર્ગઃ તાજેતરમાં ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાની ધરપકડને પગલે દક્ષિણ આફ્રિકામાં ફાટી નીકળેલા તોફાનોમાં લગભગ ૪૦,૦૦૦ જેટલા નાના મોટા વેપાર રોજગારને નુકસાન થયું હતું. ૯ જુલાઈએ ક્વાઝૂલુ - નાતાલ પ્રાંતમાં સેંકડો શોપિંગ સેન્ટરો અને વેરહાઉસીસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ તોફાનો જોહાનિસબર્ગ સુધી ફેલાયા હતા. જેને લીધે અગાઉથી મંદીમાં રહેલા અર્થતંત્રને વધુ એક ફટકો લાગ્યો હતો.
મિનિસ્ટર ખૂંમ્બૂદ્ઝોએ જણાવ્યું હતું કે તોફાનોમાં લગભગ ૪૦,૦૦૦ જેટલા નાના મોટા વેપારને નુક્સાન થયું હતું. દેશના અર્થતંત્રને લગભગ ૫૦ બિલિયન રેન્ડ એટલે કે ૩.૪ મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાનો સરકારનો અંદાજ છે.
રામા ફોસાએ બિઝનેસ અગ્રણીઓને જણાવ્યું હતું કે આ તોફાનોમાં અર્થતંત્રનો એક પણ હિસ્સો એવો ન હતો કે જેને નુકસાન થયું ન હોય. તેમણે સ્વીકાર્યું હતું કે તેમની સરકાર આ તોફાનો માટે પૂરતી તૈયાર ન હતી અને સુરક્ષા દળોને તાત્કાલિક જ બોલાવી શકાયા હોત.
ક્વાઝૂલુ - નાતાલ પ્રાંતમાં ૧૬૧ મોલ અને એટલી જ સંખ્યામાં લીકર આઉટલેટ્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને ભારે નુકસાન થયું હતું. ૨૦૦થી વધુ શોપીંગ સેન્ટર અને ૧૦૦ મોલ લૂંટી લેવાયા હતા અથવા સળગાવી દેવાયા હતા. જ્યારે લગભગ ૧,૪૦૦ એટીએમ, ૩૦૦ બેંક અને પોસ્ટ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. દરમિયાન ૯૦ ફાર્મસીને એટલી હદે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું કે તે ફરી કાર્યરત થઇ શકે તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter