દક્ષિણ આફ્રિકામાં મહાપાલિકાની ચૂંટણીમાં ANCનો વરવો પરાજય

Wednesday 10th August 2016 08:09 EDT
 
 

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ને મહત્ત્વની સ્થાનીય ચૂંટણીઓમાં સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીએ દેશની વહીવટી રાજધાની પ્રિટોરિયામાં અંકુશ ગુમાવ્યો છે. વિરોધપક્ષ ડેમોક્રેટિક અલાયન્સ (DA) પાર્ટીને મળેલાં ૪૩ ટકા વોટ સામે ANCને ૪૧ ટકા વોટ મળ્યા હતા.
છેક ૨૦૦૬થી DA પાર્ટી ધારાકીય રાજધાની કેપટાઉનમાં સત્તા ધરાવે છે અને આ ચૂંટણીમાં ઔદ્યોગિક નગર પોર્ટ એલિઝાબેથમાં વિજય હાંસલ કર્યો છે. હવે તેઓ ANCમાંથી હાંકી કઢાયેલા યુવા નેતા જુલિયસ માલેમાની ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) પાર્ટી સાથે મળી ત્સવાને (પ્રીટોરિયા) મ્યુનિસિપાલિટીમાં બહુમતી ગઠબંધન રચશે. મુખ્ય બિઝનેસ સેન્ટર જોહનિસબર્ગમાં પણ EFF અને DA સંયુક્તપણે ગઠબંધન સરકાર રચે તેવા એંધાણ છે. અહીં આખરી પરિણામો બાકી હતા ત્યારે ANCને ૪૪ ટકા વોટ સામે DAને ૩૮ ટકા મત મળ્યા હતા, પરંતુ ANCને બહુમતી સરકાર નહીં રચવા દેવાય તેમ EFF અને DA દ્વારા જણાવાયું હતું.
નેલ્સન મંડેલાની ANC પાર્ટી સાઉથ આફ્રિકામાં ૧૯૯૪ની પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણીમાં સત્તા પર આવી હતી, પરંતુ ભ્રષ્ટાચાર કૌભાંડોની હારમાળાના પગલે વર્તમાન પ્રમુખ જેકબ જુમા પક્ષમાંથી જ પદત્યાગ કરવાના ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. જુમાના વતન ન્કંડલામાં જ તેમના ઝૂલુ વિરોધીના હાથમાં સત્તા આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter