દક્ષિણ આફ્રિકામાં શરદી-ખાંસીની જેમ કોરોનાને અપાશે સીધી લડત

Wednesday 19th January 2022 06:09 EST
 
 

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની સરકાર હવે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવીને કોરોનાને સીધી લડત આપવા કમર કસી રહી છે. દેશમાં હવે લોકડાઉન નહીં લાગે અને કોઇને ક્વોરન્ટાઇન કરવામાં નહીં આવે. સરકારે વધી રહેલા કોરોના કેસ વચ્ચે આ નિર્ણય લીધો હતો. ગઈ ૯ જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ તેમના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશમાં વારંવાર લોકડાઉન લાગૂ કરવાથી લોકોની આજીવિકા, દેશની અર્થવ્યસ્થા પર ગંભીર અસર પડે છે. તેથી સરકારે વિશ્વની દેખાદેખીમાં બિનજરૂરી કોવિડ પ્રોટોકોલના પાલનથી બચવું જોઇએ, કારણ કે તે સ્થાનિક કક્ષાએ સંભવ નથી.
દેશમાં કડક લૉકડાઉનનો અમલ નહીં કરવામાં આવે તો શું આરોગ્ય સેવાઓ સામે ખતરો ઊભો થશે કે કેમ તેવો પ્રશ્ર સરકારે આરોગ્ય નિષ્ણાતોને કર્યો હતો. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સીરો સર્વેમાં બહાર આવ્યું છે કે ભૂતકાળમાં આવેલી કોરોનાની ત્રણ લહેરને કારણે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા વધી છે. બીજી તરફ રસીકરણે પણ રોગપ્રતિકારક ક્ષમતા વધારી છે. તે ઉપરાંત ઓમિક્રોનને કારણે ગંભીર રીતે બીમાર થવાનો ખતરો પણ ઘટયો છે.
જોકે આરોગ્ય નિષ્ણાતોએ તબિયતની દ્રષ્ટિએ વધુ જોખમ ધરાવતા લોકોને બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવા સરકારને સૂચન પણ કર્યું છે. તેમણે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનને સમાપ્ત કરવા પણ ભલામણ કરી છે. જોકે બંધિયાર સ્થાને માસ્ક ફરજિયાત કરવા પણ સૂચવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter