દાયકામાં સૌથી ખરાબ ખાદ્યસંકટનો સામનો કરતું વેસ્ટ આફ્રિકાઃ ઓક્સફામ

Wednesday 25th May 2022 07:22 EDT
 

નાઈરોબી, લંડનઃ Oxfam, ALIMA અને સેવ ધ ચિલ્ડ્રન સહિત મુખ્ય 11 આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ચેતવણી આપી છે કે પશ્ચિમ આફ્રિકામાં લગભગ 27 મિલિયન લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે અને તત્કાળ પગલાં નહિ લેવાય તો જૂન સુધીમાં આંકડો વધીને 38 મિલિયન થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય દાનનું પ્રમાણમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય સહાય જૂથોએ જણાવ્યા મુજબ બુર્કિના ફાસો, નાઈજર, ચાડ, માલી અને નાઈજિરિયા સહિતના વિસ્તારોમાં છેક 2015થી લોકો તાકીદે અન્નસહાયની જરૂરિયાત ધરાવે છે અને સાત મિલિયન લોકોની સંખ્યા વધીને 27 મિલિયન સુધી પહોંચી છે. પશ્ચિમ અને મધ્ય આફ્રિકા માટે ઓક્સફામના પ્રાદેશિક નિયામક અસાલામા દાવલાક સીદીએ જણાવ્યું હતું કે દુષ્કાળ, પૂર, સંઘર્ષ અને કોવિડ -19 ની આર્થિક અસરોના પરિણામે પરિસ્થિતિ વધુ ખરાબ છે,

યુનાઇટેડ નેશન્સના અંદાજ મુજબ આ વર્ષે 6થી 59 મહિનાની વયના 6.3 મિલિયન બાળકો તીવ્રપણે કુપોષિત હશે, જે 2021 ની તુલનાએ લગભગ 30 ટકાનો વધારો છે.

નિષ્ણાતોએ આગાહી કરી છે કે યુક્રેન પર રશિયાના આક્રમણથી વિશ્વભરમાં ખાદ્યપદાર્થોના ભાવો 20 ટકા સુધી વધી શકે છે. આ સંઘર્ષથી પશ્ચિમ આફ્રિકાના છ દેશોમાં ઘઉંની ઉપલબ્ધતામાં નોંધપાત્ર ઘટાડાની શક્યતા છે. ખોરાકની અછત વધતી જાય છે તેમ સેન્ટ્રલ સાહેલ સહિતના વિસ્તારોમાં પરિવારોએ સંપત્તિ વેચવાની ફરજ પડે છે જે, તેમની ઉત્પાદક ક્ષમતા અને બાળકોના ભવિષ્યને વધુ જોખમમાં મૂકે છે, છોકરીઓએ શાળા છોડવી પડે છે કે અથવા વહેલા લગ્નની ફરજ પડાય છે. યુક્રેન સંઘર્ષના શરણાર્થીઓને મદદ કરવા ડેનમાર્ક જેવાં દેશોએ બુર્કિના ફાસો અને માલી સહિતના પશ્ચિમ આફ્રિકન દેશોને દાન-વિકાસ સહાય ઘટાડી દીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter