નાઈરોબીઃ કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ બિઝનેસીસને નિશાન બનાવતા દેખાવકારોને પગમાં ગોળી મારવા પોલીસને આદેશ ફરમાવ્યો છે. પ્રેસિડેન્ટ રુટોએ દેખાવકારો સામે આતંકવાદ અને હિંસા આચરવાના આક્ષેપો લગાવ્યા છે. દરમિયાન, ગત મહિને પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા 22 વર્ષીય ફેરિયા બોનિફેસ કારિયુકીનો શોક મનાવ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને સત્તા છોડી દેવા હાકલ કરી છે.
કેન્યામાં ખરાબ આર્થિક હાલત, ભ્રષ્ટાચાર અને પોલીસની જંગલિયાત સંદર્ભે વિરોધનો જુવાળ ઉઠ્યો છે. દેશવ્યાપી સરકારવિરોધી દેખાવોમાં સોમવાર7 જુલાઈએ 31 મોત સહિત બે મહિનામાં 51 લોકોના મોત નીપજ્યા છે. લોકશાહીતરફી રેલીઓની 35મી વર્ષગાંઠ નિમિત્તે દેખાવો દરમિયાન દેખાવો દરમિયાન નાઈરોબી અને કિટેન્જેલા ખાતે હોસ્પિટલો પર હુમલાઓ કરાયાના પણ અહેવાલો છે.
પ્રેસિડેન્ટ રુટોએ તેમના રાજકીય વિરોધીઓ પર દેખાવોને ઉત્તેજન આપવાના આક્ષેપો સાથે નાઈરોબીમાં જણાવ્યું હતું કે શેરીઓમાં ઉતરી પડેલા કેટલાક લોકો દેશ વિરુદ્ધ યુદ્ધ આચરી રહ્યા છે. પોલીસ, સલામતી રક્ષકો, પોલીસ સ્ટેશનો સહિત સુરક્ષા મથકો પર હુમલો કરનારાઓ યુદ્ધની ઘોષણાઓ સાથે આતંકવાદ આચરી રહ્યા છે. ત્રાસવાદ અને હિંસાથી દેશ ચાલી શકે નહિ. આ લોકો સામે કડક હાથે કામ લેવામાં આવશે.ગેરબંધારણીય રીતે સરકાર બદલવા દઈ શકાય નહિ.
કેન્યામાં ગત મહિને 17 જૂને પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ફેરિયા બોનિફેસ કારિયુકીનો શોક મનાવાયો હતો. સેંકડો લોકો નાઈરોબીથી 100 કિલોમીટર ઈશાનમાં આવેલા હોમટાઉન કાન્ગેમાં ખાતે તેની અંતિમવિધિમાં સામેલ થયા હતા. દેખાવકારોને પગમાં ગોળી મારવાના પ્રેસિડેન્ટ રુટોના આદેશ અને પોલીસ દળોની જંગાલિયતથી રોષે ભરાયેલા લોકોએ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોને સત્તા છોડી દેવા હાકલ કરી છે.