ડોડોમાઃ સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ નદીનો દેડકો એમેઈટીઆ વિટ્ટેઈ (Amietia Wittei) મળી આવતા વાઈલ્ડલાઈફના નિષ્ણાતો આશ્ચર્યમાં મૂકાયા છે. આના પરિણામે, આફ્રિકા ખંડની ઓછી જાણીતી આલ્પાઈન વાઈલ્ડલાઈફ વિશે વધુ જાણકારી મેળવી શકાશે તેમ મનાય છે. એમેઈટીઆ વિટ્ટેઈને નિહાળવા અને વધુ જાણકારી પ્રાપ્ત કરવા 45 દિવસના કિલિમાન્જારો મિશનનું આયોજન કરાયું છે.
બેલ્જિયન હર્પીટોલોજિસ્ટ (સરિસૃપ નિષ્ણાત) ગેસ્ટોન-ફ્રાન્કોઈસ દ વિટ્ટે પરથી નામ અપાયેલા એમેઈટીઆ વિટ્ટેઈ દેડકા માત્ર ઓછી ઊંચાઈ પર મળી આવતા હોવાનું મનાય છે. આથી, જૂન મહિનાના ઉત્તરાર્ધમાં કિલિમાન્જારો પર સાહસયાત્રાના સભ્યો માટે દેડકા જેવું ઉભયજીવી પ્રાણી મળે તેવી જરા પણ શક્યતા ન હતી. તેઓ 2000થી 4500 મીટર્સની ઊંચાઈ પર મળી આવતાં હમિંગબર્ડ જેવાં નાનકડાં રંગબેરંગી પક્ષીઓ જોવા ઈચ્છતા હતા. જોકે, ટીમના સભ્ય દમિત્રી આન્દ્રેઈચુકને જે જેવાં મળ્યું તેનાથી તે સ્તબ્ધ થઈ ગયા. તેમણે ઠંડા પાણીમાં કૂદકા મારી રહેલા થોડા દેડકાને જોઈ ખુદ પર વિશ્વાસ ન આવ્યો. તેમણે પોતાના ભાઈને બોલાવ્યો અને બે કલાક સુધી ઠંડા પાણીમાં ઉભા રહ્યા પછી તેમને બંનેને માઉન્ટ એવરેસ્ટ પર જાન ગુમાવનારા પર્વતારોહક સ્કોટ ફિશરના સ્મારક શિરા પ્લેટેઉની નીચે એમેઈટીઆ વિટ્ટેઈ જાતના દેડકા જોવા મળ્યા, જે આટલી ઊંચાઈએ કદી જોવા મળ્યા ન હતા. જે પાણીમાં તમારા પગ 30 સેકન્ડ સુધી પણ બોળાયેલાં રહે તો હાડકાં થીજી જાય તેવા વાતાવરણમાં અને 10 સેન્ટિમીટરની ઊંડાઈના ઝરણામાં સેંકડો દેડકા ઉછરી રહ્યા છે. સાઉથ આફ્રિકાની નોર્થવેસ્ટ યુનિવર્સિટીમાં ઉભયજીવી પ્રાણીઓના નિષ્ણાત પ્રોફેસર એલાન શેનિંગે આ એમેઈટીઆ વિટ્ટેઈ દેડકા હોવાનું સમર્થન આપતા જણાવ્યું હતું કે, ‘ ઈસ્ટ આફ્રિકા, ખાસ કરીને કેન્યા (આબેરડેર, માઉન્ટ એલ્ગન, માઉન્ટ કેન્યા) અને યુગાન્ડાના ભારે ઊંચાઈના પ્રદેશોમાં એમેઈટીઆ વિટ્ટેઈ મળી આવે છે, પરંતુ આટલી ઊંચાઈએ કદી મળ્યા નથી. તેઓ આટલી ઠંડી સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા ધરાવે છે અને લાખો વર્ષોથી ઠંડા બરફીલા પાણીમાં અસ્તિત્વ જાળવી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ વધવા સાથે દેડકા ઠંડા રહેવા માટે ઊંચાઈએ જવાનું પસંદ કરે છે.’