નાઇજિરિયન સૈન્યએ ભૂલથી રાહત કેમ્પ પર બોમ્બ ફેંક્યોઃ ૧૦૦નાં મોત

Friday 20th January 2017 03:10 EST
 

નવી દિલ્હીઃ નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકી સંગઠન બોકો હરામ વિરુદ્ધ અભિયાન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આતંકી સંગઠનના કેમ્પો પર હવાઇ હુમલા શરૂ કરી દેવાયા છે. જોકે સૂકા સાથે લીલું બળે એવી ઘટના સામે આવી છે. નાઇજિરિયન સૈન્ય દ્વારા આતંકીઓનો કેમ્પ સમજીને એક સ્થળ પર બોમ્બ ફેકવામાં આવ્યો હતો. આ બોમ્બ જે જગ્યાએ પડયો ત્યાં આતંકીઓ નહીં પણ રાહત છાવણી હતી. જેને પગલે ૧૦૦ જેટલા નિર્દોશ લોકો આ હુમલામાં માર્યા ગયા છે.

બોર્નો રાજ્યના પ્રશાસન દ્વારા જારી નિવેદનમાં આ વાતની ખાતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સૈન્ય કમાન્ડર મે જન લકી ઇરાબોરે પણ જણાવ્યું હતું કે નાઇજિરિયન એરફોર્સના ફાઇટર જેટ દ્વારા રન પાસે આવેલી કેમરુન સરહદે બોમ્બમારો કરવામાં આવ્યો હતો, જેને પગલે અહીં રાહત કેમ્પમાં રાખવામાં આવેલા શરણાર્થીઓ અને સહાયક કામદારોના મોત થયા હતા. આશરે ૧૦૦ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જે લોકો માર્યા ગયા તેઓને આતંકીઓથી બચાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા, પણ તેમના પર જ આ રીતે બોમ્બમારો થશે તેની કોઇને કલ્પના પણ નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter