અબુજાઃ નાઈજિરિયાની ફેડરલ હાઈ કોર્ટે પૂર્વ પાવર મિનિસ્ટર સાલેહ મમ્માનને 33.8 બિલિયન નાઈરા (24.71મિલિયન ડોલર)ના મનીલોન્ડરિંગ અને છેતરપીંડી બદલ કસુરવાર ઠરાવી 75 વર્ષ જેલની સજા ફરમાવી છે. દેશના ઈકોનોમિક એન્ડ ફાઈનાન્સિયલ ક્રાઈમ્સ કમિશન (EFCC) દ્વારા 12 ગુનાનો આરોપ દાખલ કરાયો હતો. જોકે, પૂર્વ મિનિસ્ટરે પોતાની સામે લગાવાયેલા નઆરોપ નકારી કાઢ્યા હતા.
સરકાર દ્વારા ફાઈનાન્સ કરાયેલા મામ્બિલા અને ઝુંગેરુ પાવર પ્લાન્ટ્સ સહિત હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી ગેરકાયદે આવકને ખાનગી કંપનીઓ મારફત મનીલોન્ડરિંગ દ્વારા ઘરભેગી કરવાનો આરોપ 2019માં પાવર મિનિસ્ટર રહેલા સાલેહ મમ્માન પર લગાવાયો હતો. કોર્ટે પૂર્વ મિનિસ્ટરની ગેરહાજરીમાં ચુકાદો સંભળાવ્યો હતો અને તેમની ધરપકડ કરવા નાઈજિરિયન અને આંતરરાષ્ટ્રીય સિક્યુરિટી એજન્સીઓને આદેશ આપ્યો હતો.


