નાઈજિરિયામાં 300થી વધુ વિદ્યાર્થીનું અપહરણ

Tuesday 12th March 2024 07:36 EDT
 

કુરિગાઃ નોર્થવેસ્ટ નાઈજિરિયામાં કાડુના રાજ્યના કુરિગા શહેરમાંથી બંદૂકધારીઓના હાથે 300થી વધુ વિદ્યાર્થીઓનું LEA પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સ્કૂલમાંથી 9 માર્ચે અપહરણ કરાયાથી ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને ત્રણ દિવસ વીતવા છતાં કોઈ સગડ ન મળવાથી ઘણા લોકોએ તેમના પરત આવવાની આશા છોડી દીધી છે. ગત સપ્તાહમાં સામૂહિક અપહરણની આ ત્રીજી ઘટના છે. ઉત્તરપશ્ચિમના અન્ય રાજ્ય સોકોટોની એક સ્કૂલમાંથી 15 બાળકો તેમજ ઉત્તરપૂર્વીય રાજ્ય બોરનોમાં મહિલાઓ અને બાળકો સહિત 200 વિસ્થાપિતોના અપહરણ કરાયા હતા. 2014થી નાઈજિરિયાની શાળાઓમાંથી ઓછામાં ઓછાં 1400 બાળકોનાં અપહરણ કરાયાં છે. જોકે, માત્ર શાળાઓ નિશાના પર નથી. ગયા વર્ષે સમગ્ર દેશમાંથી 3500થી વધુ લોકોના અપહરણ થયા હતા.

કુરિગાની સ્કૂલમાં અપહરણ કરાયેલામાંથી 100 બાળકો તો 12 વર્ષ કે તેથી ઓછી વયના છે. કોઈ જૂથે અપહરણની જવાબદારી લીધી નથી ત્યારે ઉત્તરપૂર્વમાં બળવાખોર ઈસ્લામિક આતંકીઓ આ માટે જવાબદાર હોવાની આશંકા છે. ઈસ્લામિક આતંકીઓ અને સશસ્ત્ર ટોળકીઓ વચ્ચે ચાલતી હિંસામાં બાળકો અને નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે. આ અપહરણો આફ્રિકાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં પ્રવર્તી રહેલી સુરક્ષાની કટોકટીની સાબિતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter