નૈરોબી: કેન્યા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને શૈક્ષણિક અને ડિજિટલ સ્તરે નવી ઊંચાઈએ લઈ જવાના હેતુથી મંગળવાર, ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ નૈરોબી યુનિવર્સિટી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત તરફથી હાઈ કમિશનર ડૉ. આદર્શ સ્વૈકાએ યુનિવર્સિટીની મુલાકાત લઈ વાઈસ-ચાન્સેલર પ્રો. માર્ગારેટ જેસાંગ હચિન્સન સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ કરી હતી.
આ મુલાકાત માત્ર એક સૌજન્ય મુલાકાત ન રહેતા, બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક નિર્ણાયક કદમ સાબિત થઈ છે. બેઠક દરમિયાન ઇનોવેશન, સંશોધન અને ડિજિટલ અર્થતંત્ર જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
હાઈ કમિશનર અને વાઈસ-ચાન્સેલરે મહાત્મા ગાંધી ગ્રેજ્યુએટ લાઈબ્રેરીમાં 'ઈન્ડિયા કોર્નરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય દૂતાવાસ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વારસાને લગતા ૧૦૦ પુસ્તકો ભેટમાં આપવામાં આવ્યા હતા.
ડૉ. સ્વૈકાએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી બંને મહાનુભાવોએ કેન્યા અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણને યાદ કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્વાનોને આકર્ષવા માટે યુનિવર્સિટીના સ્ટાફ હાઉસિંગના આધુનિકીકરણમાં સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.
મુલાકાતની સૌથી મહત્વની કડી ચંદારિયા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ પ્રથમ "નૈરોબી-નવી દિલ્હી સંવાદ" હતી. કેન્યા-ભારત સંબંધોની પુનઃકલ્પના થીમ પર આધારિત આ સંવાદમાં વિવિધ યુનિવર્સિટીઓના નિષ્ણાતો, રાજદ્વારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં વેપાર, ડિજિટલ ઇનોવેશન અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારીનો સમાવેશ થયો હતો. ઉપસ્થિત તમામ નિષ્ણાતોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે ભવિષ્યની ભાગીદારી યુવાનો અને ટકાઉ વિકાસ પર કેન્દ્રિત હોવી જોઈએ.આ કાર્યક્રમની સફળતાને જોતા, હવે દર વર્ષે 'નૈરોબી-નવી દિલ્હી સંવાદ' યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


