જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાને મેડિકલ પેરોલ પર જેલમાંથી છોડવામાં આવ્યા હોવાને જેલ સત્તાવાળાઓએ સમર્થન આપ્યું હતું.
ડિપાર્ટમેન્ટ ઓફ કરેક્શનલ સર્વિસીસે જણાવ્યું હતું કે ઝૂમા માટે મેડિકલ પેરોલનો અર્થ એ થાય કે તેઓ હવે બાકીની સજા કોમ્યુનિટી કરેક્શન્સની સિસ્ટમમાં પૂરી કરશે, ત્યાં તેમણે ચોક્કસ શરતોનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે અને તેમની સજા પૂરી થાય ત્યાં સુધી તેમના પર દેખરેખ રખાશે.
ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે તેમને મળેલા મેડિકલ રિપોર્ટના આધારે આ નિર્ણય લેવાયો હતો. જીવલેણ બીમારી અને શારીરિક અક્ષમતા ઉપરાંત, દૈનિક પ્રવૃત્તિ અને સેલ્ફ કેર મર્યાદીત કરી નાખે તેવી બીમારી ધરાવતા લોકોને પણ મેડિકલ પેરોલ આપવા વિચારી શકાય છે.
૭૯ વર્ષીય ઝૂમાને બે મહિના અગાઉ દેશની બંધારણીય કોર્ટે કોર્ટના અનાદર બદલ ૧૫ મહિનાની જેલની સજા ફરમાવી હતી. તેમના લગભગ એક દસકાના શાસન દરમિયાન થયેલા ભ્રષ્ટચારની તપાસ કરી રહેલા જ્યુડિશિયલ કમિશન સમક્ષ હાજર થવાનો તેમણે ઈનકાર કર્યો હતો.
ડરબનથી ઉત્તર – પશ્ચિમમાં ૧૮૦ કિ.મી.ના અંતરે આવેલી પૂર્વી ક્વાઝૂલૂ - નાતાલ પ્રાંતની એસ્ટકોર્ટ જેલ ખાતે ૮ જુલાઈથી ઝૂમાની સજા શરૂ થઈ હતી. જેલવાસ દરમિયાન તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના પર સર્જરી પણ કરાઈ હતી.
બે વીક પછી ઝૂમાને તેમના ન્કાન્ડલા રૂરલ હોમ ખાતે તેમના ભાઈના અંતિમસંસ્કારમાં હાજરી આપવા જેલ છોડવાની પરવાનગી અપાઈ હતી.
જેકબ ઝૂમા ફાઉન્ડેશને પૂર્વ પ્રમુખ માટેના બાકીની સજા અંગેના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું કે હાલ તેઓ હોસ્પિટલમાં છે. તેમની લીગલ ટીમ સાથે ચર્ચા પછી વિસ્તૃત નોંધ જારી કરાશે.