નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને ગૂગલ તથા આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ વચ્ચે ઉચ્ચ સ્તરીય ચર્ચા બેઠક યોજાઈ હતી જેનું આયોજન CCA (www.CorporateCouncilonAfrica.com) દ્વારા કરાયું હતું. બેઠકમાં ડિજીટલ ટેક્નોલોજી અને ભાગીદારીથી કેવી રીતે આફ્રિકામાં આર્થિક વિકાસના નવા માર્ગ ખોલી શકાય તેના પર ખાસ ભાર મૂકાયો હતો.
ચર્ચામાં પ્રમુખ કેન્યાટાએ જણાવ્યું કે તે અમેરિકન કંપનીઓ સાથે ભાગીદારી કરીને સાથે મળીને કામ કરવા માગે છે. ડિજીટલાઈઝેશન, ટેક્નોલોજી અને ઈન્ટરનેટને લીધે હાલ લગભગ ૯૫ ટકા કેન્યન સરળતાથી નાણાંકીય સેવા મેળવી શકે છે. ૨૦ વર્ષ અગાઉ લોકોના બેંક ખાતા હતા ત્યારે આ દર ૨૫ ટકા હતો.
પિચાઈએ કેન્યાની આર્થિક રિકવરીમાં મદદ માટે ૧૦ મિલિયન ડોલરના નવા ફંડની જાહેરાત કરી હતી. જેમાં ૨ મિલિયન ડોલર લોકલ નોન-પ્રોફિટને, ૩ મિલિયન ડોલર SMEsને અને ટેક્નોલોજી સ્ટાર્ટઅપના વિકાસ માટે ૫ મિલિયન ડોલર અપાશે. પિચાઈએ પ્રમુખ કેન્યાટાના આશાવાદને રજૂ કરતાં કેન્યા અને આફ્રિકામાં સરકારો, બિઝનેસીસ અને નોકરી મેળવવા માગતા લોકોને મદદરૂપ થવાની ગૂગલની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
ગયા વર્ષે કોવિડ -૧૯ની પ્રતિક્રિયામાં ગૂગલે મહામારીને લીધે આર્થિક અસર પામેલી કેન્યાની મહિલાઓ માટે એક મિલિયન ડોલરની ગ્રાન્ટ શરૂ કરી હતી તેમજ ૩૦૦,૦૦૦ કેન્યન SMEsને મદદ માટે ડિજીટલ હબ અને વિદ્યાર્થીઓને રિમોટ લર્નિંગમાં મદદ માટે પગલાં હાથ ધર્યા હતા.
આ ચર્ચાનું સંચાલન ઝૈન વીરજી ગ્રૂપના ઝૈન વીરજીએ સંભાળ્યું હતું. CCAના પ્રમુખ મિસ ફ્લોરિઝેલ લાઈસરે જણાવ્યું કે અમેરિકા અને આફ્રિકા બન્નેમાં કોવિડ મહામારી પછી આર્થિક રિકવરી માટે સહયોગ ખૂબ મહત્ત્વનો છે.