જોહાનિસબર્ગઃ આદરપાત્ર પોલીસ ઓફિસર જનરલ ન્હલાન્હલા મ્ખ્વાનાઝીએ પ્રેસિડેન્ટ સૂરિલ રામફોસા વહીવટતંત્રના ઉચ્ચ સ્તરે સંગઠિત ક્રાઈમ જૂથોએ ઘૂસણખોરી કરી હોવાના આક્ષેપો સાથે ભારે હલચલ મચાવી છે. પત્રકાર પરિષદમાં લશ્કરી ગણવેશમાં હાજર મ્ખ્વાનાઝીએ પોલીસ મિનિસ્ટર સેન્ઝો મેહુનુ ક્રિમિનલ ગેંગ્સ સાથે સાંઠગાઠ ધરાવતો હોવાના આક્ષેપ કર્યા હતા. પ્રેસિડેન્ટ રામફોસાએ સેન્ઝો મેહુનુની હકાલપટ્ટી કરવી પડી છે અને આગામી મહિને દેશને નવા કાર્યકારી પોલીસ મિનિસ્ટર ફિરોઝ કાચલીઆ મળશે.
પોલીસ મિનિસ્ટર મેહુનુએ દેશના બિઝનેસ સેક્ટર, પ્રિઝન ડિપાર્ટમેન્ટ, પ્રોસીક્યુશન સર્વિસ અને ન્યાયતંત્રમાં ડ્રગ કાર્ટેલનો પગપેસારો થયાનું બહાર આવતા રાજકીય હત્યાઓની તપાસ કરતા ખાસ યુનિટને બંધ કરી દીધાનું પણ મ્ખ્વાનાઝીએ જણાવ્યું હતું. કેબિનેટ મિનિસ્ટર અને રાજકીય બોસ સામે આક્ષેપો પછી સામાન્ય પ્રજામાં 52 વર્ષીય મ્ખ્વાનાઝીની લોકપ્રિયતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હ્યુમન સાયન્સીસ રિસર્ચ કાઉન્સિલ (HSCRC)ના સરવે અનુસાર પોલીસ વિશે પ્રજાનો વિશ્વાસ 22 ટકા જેટલો સૌથી તળિયે પહોંચ્યો છે.