કેપ ટાઉનઃ રવિવારે કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા હળવા કોવિડ ૧૯ની સારવાર લઈ રહ્યા હોવાનું તેમની ઓફિસ દ્વારા જણાવાયું હતું. પ્રેસિડેન્સી દ્વારા નિવેદનમાં જાહેર કરાયું હતું કે રામાફોસાને તબિયત બગડી હોય તેવું લાગ્યા પછી કરાવેલા ટેસ્ટમાં તેમને કોવિડ હોવાની પુષ્ટિ થઈ હતી.
તેઓ સાઉથ આફ્રિકન મિલિટરી હેલ્થ સર્વિસની દેખરેખ હેઠળ કેપ ટાઉનમાં સેલ્ફ આઈસોલેટ થયા છે. તેમણે આગામી સપ્તાહ માટે તેમની તમામ જવાબદારીઓ ડેપ્યૂટી પ્રેસિડેન્ટ ડેવિડ મબુઝાને સૌપી દીધી છે.
૬૯ વર્ષીય રામાફોસા સંપૂર્ણ વેક્સિનેટેડ છે. જોકે, તેઓ ઓમિક્રોન વાઈરસથી સંક્રમિત થયા છે કે કેમ તે અંગે નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું નથી.
ગયા અઠવાડિયે રામાફોસા વેસ્ટ આફ્રિકન દેશોની મુલાકાતે હતા. તેઓ ૮ ડિસેમ્બરે સેનેગલથી પાછા ફર્યા હતા. ટ્રીપ દરમિયાન દરેક દેશમાં તેમનો તથા તેમના પ્રતિનિધિમંડળનો કોવિડ ૧૯ ટેસ્ટ કરાયો હતો. તેમના પ્રતિનિધિમંડળમાંથી કેટલાંક સભ્યોનો ટેસ્ટ નાઈજીરીયામાં પોઝિટિવ આવ્યો હતો અને તેઓ ત્યાંથી સીધા જ સાઉથ આફ્રિકા પાછા આવ્યા હતા.
ટ્રીપના બાકીના તમામ સમયમાં રામાફોસા તથા તેમના પ્રતિનિધિમંડળનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.