ફાઈનાન્સ મિનિસ્ટર પ્રવીણ ગોરધન વિરુદ્ધ ફ્રોડના આરોપો પડતા મુકાયા

Wednesday 09th November 2016 12:16 EST
 
 

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભારતીય મૂળના ફાઈનાન્સ મિનિસ્ટર પ્રવીણ ગોરધન વિરુદ્ધ ફ્રોડના આરોપો પડતા મુકાયા છે. ગોરધન કોર્ટમાં હાજર થવાના હતા તેના ગણતરીના દિવસો અગાઉ જ દેશના ચીફ પ્રોસીક્યુટરે તેમના વિરુદ્ધ વિવાદાસ્પદ ફ્રોડ ચાર્જીસ પડતા મૂક્યા હતા. પ્રવીણ ગોરધન અને તેમના બે પૂર્વ સાથી સામે કાનૂની કાર્યવાહીનો ભારે વિરોધ કરાયો હતો. ભારતીય મૂળના ફાઈનાન્સ મિનિસ્ટરના ટેકામાં ૮૦થી વધુ સીઈઓ દ્વારા ખુલ્લો પત્ર પણ લખવામાં આવ્યો હતો. ગોરધને કોઈ જ ખોટું કાર્ય કર્યાનો સતત ઈનકાર કરી આક્ષેપોને રાજકીય તોફાન સમાન ગણાવ્યા હતા.

સિવિલ સોસાયટી ગ્રૂપ્સ, વિપક્ષી નેતાઓ તેમજ શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોએ પણ પ્રવીણ ગોરધન વિરુદ્ધ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. ઘણાએ આશંકા દર્શાવી હતી કે ટ્રેઝરી પર અંકુશ મેળવવા પ્રેસિડેન્ટ જેકબ જુમાના ઈશારે આ રાજકીય પગલું લેવાયું હતું. જુમા ગોરધનના સ્થાને પોતાના વશમાં હોય તેવા ફાઈનાન્સ મિનિસ્ટર મૂકવા ઈચ્છતા હોવાનું પણ કહેવાય છે. જોકે, પ્રમુખની ઓફિસ અને નેશનલ ડિરેક્ટર ઓફ પબ્લિક પ્રોસીક્યુશન્સ શોન અબ્રાહમ્સ દ્વારા આનો સતત ઈનકાર કરાયો હતો.

ફ્રોડના આરોપો ગોરધન ૨૦૧૦માં સાઉથ આફ્રિકન રેવન્યુ સર્વિસના વડા હતા ત્યારે પોતાના ડેપ્યુટી માટે વહેલી નિવૃત્તિના પેકેજને બહાલી આપવા સંદર્ભે હતા. તાજેતરમાં પ્રસિદ્ધ દસ્તાવેજો અનુસાર આ પગલું કાયદેસર હોવાની સલાહ ગોરધનને અપાઈ હતી. અબ્રાહમ્સે જણાવ્યું હતું કે આ મંજૂરી ખોટી હોય તો પણ તેની પાછળ ગુનાઈત ઈરાદો હોવાનું સાબિત થતું નથી. તેમણે આરોપો લગાવવાના નિર્ણયને ઓવરરુલ કરાશે તેમ ગોરધનના વકીલોને લખ્યું હતું.

આફ્રિકન નેશનલ કોંગ્રેસે ૩૧ ઓક્ટોબરના નિવેદનમાં ગોરધનનું સમર્થન કરી કહ્યું હતું કે ફ્રોડ કેસથી અર્થતંત્ર પર નકારાત્મક અસર પડી છે. પ્રેસિડેન્ટ જુમાએ ૨૦૦૯-૧૪ દરમિયાન ફાઈનાન્સ મિનિસ્ટર રહેલા ગોરધનને ડિસેમ્બર ૨૦૧૫માં ફરી નિયુક્ત કર્યા હતા. ભ્રષ્ટાચારના વિરોધી ગોરધને જુમાના મિત્ર ગણાતા ગુપ્તા પરિવારના રાજકીય પ્રભાવ સામે પણ ઝીંક ઝીલી હતી. ગુપ્તા પરિવાર રાજકીય નિમણૂકો અને સરકારી કોન્ટ્રાક્ટસ હાંસલ કરવા પ્રમુખ સાથેની મિત્રતાનો ઉપયોગ કરતા હતા.

ખુદ જુમા સામે અત્યારે ભ્રષ્ટાચારના સંખ્યાબંધ આરોપો છે છતાં નેશનલ પ્રોસીક્યુટિંગ ઓથોરિટી પ્રેસિડેન્ટને કોર્ટમાં લઈ જવાનું ટાળે છે. જુમાએ આવા આરોપોનો ઈનકાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter