ફાર્મા કંપનીઓએ કોવિડ વેક્સિન મુદ્દે સાઉથ આફ્રિકાને બાનમાં લીધું

Tuesday 19th September 2023 12:38 EDT
 

જોહાનિસબર્ગઃ કોવિડના રોગચાળાના ગાળામાં જ્હોન્સન એન્ડ જ્હોન્સન (J&J), ફાઈઝર જેવી મોટી ફાર્મા કંપનીઓએ કોવિડ વેક્સિન્સ માટે સાઉથ આફ્રિકાને બાનમાં લઈ 15થી 33 ટકા વધુ રકમ પડાવી હોવાનું સાઉથ આફ્રિકન NGO હેલ્થ જસ્ટિસ ઈનિશિયેટિવ (HJI)ના રિપોર્ટમાં જાહેર કરાયું છે. આ કંપનીઓએ પશ્ચિમી દેશોની સરખામણીએ સાઉથ આફ્રિકા સાથે જે કરારો કર્યા તે સાથે મોટી રકમો ચાર્જ કરી હતી.

કોવિડ મહામારી ચરમસીમાએ હતી ત્યારે J&J કંપનીએ યુરોપિયન યુનિયન પાસેથી કોવિડ વેક્સિનનો જે ચાર્જ કર્યો હતો તેનાથી 15 ટકા વધુ તેમજ ફાઈઝર-બાયોએનટેક કંપનીએ 33 ટકા વધુ ચાર્જ સાઉથ આફ્રિકા પાસેથી વસૂલ્યો હતો. કંપનીઓએ વધુ ચાર્જના કરારો કરવા સાઉથ આફ્રિકાને ફરજ પાડી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ વેક્સિન્સ માટે 95 મિલિયન ડોલરની આગોતરી ચૂકવણી સાથે કુલ 734 મિલિયન ડોલરની રકમ ચૂકવવાની થતી હતી છતાં, સમયસર ડિલિવરીની કોઈ જ ગેરન્ટી અપાઈ ન હતી. દેશવાસીઓને ખતરનાક વાઈરસથી બચાવવા સાઉથ આફ્રિકન સરકાર પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. કોવિડ વાઈરસના ચેપથી દેશના હજારો લોકોએ જાન ગુમાવ્યા હતા.

કરારના વિશ્લેષણ મુજબ સીરમ ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ઓક્સફર્ડ-એસ્ટ્રેઝેનેકા વેક્સિનનાં જિનેટિક વર્ઝન માટે યુકેની સરખામણીએ સાઉથ આફ્રિકા પાસેથી 2.5 ગણો ચાર્જ વસૂલ્યો હતો. J&J અને ફાઈઝર કંપનીઓએ વેક્સિનના પ્રતિ ડોઝ 10 ડોલર વસૂલ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter