ગીતેગાઃ બુરુન્ડીના પાટનગર ગીતેગાની મુખ્ય જેલમાં લાગેલી ભીષણ આગમાં લગભગ ૩૮ કેદી જીવતા ભૂંજાઈ ગયા હતા અને ૬૯થી વધુ ગંભીર રીતે દાઝી ગયા હતા. દેશના વાઈસ પ્રેસિડેન્ટે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. વહેલી સવારે ૪ વાગે આગ લાગી હતી તે પછી પણ ઘણાં કેદી ઉંઘતા જ હતા.
ગૃહ વિભાગે ટ્વીટર પર જણાવ્યું કે લગભગ સો વર્ષ જૂની જેલમાં ઈલેક્ટ્રિક શોર્ટ સરકીટને લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટામાં જણાયું કે જેલમાંથી આગની વિકરાળ જ્વાળાઓ નીકળતી હતી અને જમીન પર લોકોનો મૃતદેહો પડ્યા હતા.
એક કેદીએAFPને જણાવ્યું કે આગની ઉંચી જ્વાળાઓને જોઈને અમે પોલીસને કહ્યું કે અમે બળીને ભડથું થઈ જઈશું. પરંતુ, પોલીસે અમારા ક્વાર્ટરના દરવાજા ખોલવાનો ઈન્કાર કર્યો હતો. હું કેવી રીતે બચ્યો તેની કબર નથી. પરંતુ, ઘણાં કેદી સંપૂર્ણપણે જીવતા બળી ગયા હતા.
પોલીસના એક સૂત્રે જણાવ્યું હતું કે ઈમરજન્સી સર્વિસ ઘટના સ્થળે મોડી પહોંચી હતી. પહેલી ફાયર ટ્રક આગ શરૂ થઈ તેના બે કલાક પછી આવી હતી. ગંભીર દાઝેલા કેદીઓ પૈકી કેટલાંકને પોલીસ પીક અપ ટ્રક્સમાં હોસ્પિટલે લઈ જવાયા હતા જ્યારે ઓછા દાઝેલા કેદીઓને ઘટનાસ્થળે જ સારવાર અપાઈ હતી.