બ્રિટને દક્ષિણ આફ્રિકાને રેડ લિસ્ટમાં યથાવત રાખતા અસંતોષ

Wednesday 29th September 2021 02:13 EDT
 
જોહાનિસબર્ગઃ બ્રિટને તેના કોરોના વાઈરસના રેડ લિસ્ટમાં દક્ષણ આફ્રિકાને યથાવત રાખતા દક્ષિણ આફ્રિકાએ અસંતોષની લાગણી દર્શાવી હતી. આ પગલા હેઠળ યુકે પરત ફરતા દરેક મુસાફરે મોંઘી હોટલોમાં દસ દિવસ ક્વોરન્ટાઈન થવું પડશે અને તેનો ખર્ચ વ્યક્તિ દીઠ ૧,૭૫૦ પાઉન્ડ કરતાં વધુ રકમ ચૂકવવી પડશે.વન્યજીવન અને આહલાદક દ્રશ્યો માટે જાણીતું દક્ષિણ આફ્રિકા તેના ટુરીઝમ ઉદ્યોગને કોરોના વાઈરસને લીધે પડેલા ફટકામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દેશના અર્થતંત્રમાં આ સેક્ટરનું ત્રણ ટકાનું યોગદાન છે. મહામારી પહેલા તે સાત લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતું હતું.
૨૦૨૦ની લગભગ મોટા સમય માટે તે લોકડાઉન રહ્યું હતું અને તે પછી ડિસેમ્બરમાં ત્યાં બીટા વેરિયન્ટ હોવાનું જણાતા કેટલીક સરકારોએ તેને બ્લેકલિસ્ટ કર્યું હતું. જોકે, હવે દક્ષિણ આફ્રિકામાં સંક્રમણનો દર ઘટતાં ખૂબ ઉંચી કિંમત ચૂકવતા વિદેશી મુલાકાતીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.
યુરોપ, યુકે અને અમેરિકાથી આવતા પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકા માટે સૌથી મોટું માર્કેટ છે અને હોલિડે માણીને પરત ફરીને ઘરે જાતે આઈસોલેટ થવાની તકલીફ પણ કેટલાંક લોકો વેઠે છે. કોરોના મહામારી પહેલા ખાસ કરીને વિન્ટર દરમિયાન વર્ષે યુકેના ૪૦૦,૦૦૦થી વધુ સહેલાણીઓ દક્ષિણ આફ્રિકાની મુલાકાત લેતા હતા.  

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter