બ્રિટિશ કિંગ ચાર્લ્સની તાજપોશીમાં કેન્યાવાસીઓમાં ઉત્સાહનો અભાવ

Tuesday 09th May 2023 16:12 EDT
 

નાઈરોબીઃ ઈંગ્લિશ રાજવી કિંગ ચાર્લ્સ તૃતીયની 6 મેએ તાજપોશી કરાઈ તેના પહેલા બ્રિટન અને તેના પૂર્વ સંસ્થાનો વચ્ચેની અતૂટ મૈત્રીને મજબૂતી બક્ષવા કોમનવેલ્થના દેશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, કેન્યાામાં આવો ઉત્સાહ જણાયો ન હતો. કેન્યા માટે તાજપોશીની વિધિના સમાચાર ઉદાસીનતા અને દુશ્મનાવટ ભરેલા હતા કારણકે બ્રિટિશ સામ્રાજ્યના હત્યારા સંસ્થાનવાદી ભૂતકાળની ભૂતાવળ સદીઓ પછી પણ દિલોદિમાગમાં છવાયેલી છે.

બ્રિટિશ કેન્યનોમાં પણ આ મુદ્દે વિભાજન જોવાં મળ્યું હતું. ઘણા લોકોએ તેને મહાન અવસર ગણાવી તેને નિહાળવામાં રસ દર્શાવ્યો હતો અને ઘણાએ સંસ્થાનવાદીઓ દ્વારા દુર્વ્યવહારને યાદ કરી તેને નિહાળવામાં કોઈ રસ ન હોવાનું જણાવ્યું હતું. કેન્યામાં બ્રિટિશ સંસ્થાનવાદના વારસા સંદર્ભે આ વિધિ પ્રત્યે ઉદાસીનતા હતી. મોટા ભાગના કેન્યાવાસીઓ માટે બ્રિટન અન તેની રાજાશાહીનું દિલમાં જરા પણ સ્થાન નથી.

યુનિવર્સિટી ઓફ નાઈરોબી ખાાતે સ્કૂલ ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન સ્ટડીઝના પ્રોફેસર હરમાન માન્યોરા PhD ના જણાવ્યા મુજબ કેન્યા અને બ્રિટન વચ્ચે લાંબા ઈતિહાસની સહભાગિતા છે પરંતુ, તે ઈતિહાસ લોહી અને હિંસાથી ખરડાયેલો છે. સંસ્થાનવાદના ગાળામાં જુલ્મ, અત્યાચાર, અટકાયતો, હત્યાઓ, અને દેશની જુદાઈનાં કારણે કેન્યાવાસીઓ બ્રિટિશ પ્રત્યે નારાજગી વધુ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter