બ્રિટિશ શાહી પરિવાર સંસ્થાનવાદનું વળતર ચૂકવેઃ મન્ડેલાની પૌત્રીની માગણી

Tuesday 05th December 2023 12:19 EST
 
 

દુબઈ, જોહાનિસબર્ગઃ આફ્રિકન નેતા નેલ્સન મન્ડેલાની પૌત્રી, ક્લાઈમેટ કર્મશીલ અને લેખિકા ન્દિલેકા મન્ડેલાએ બ્રિટિશ શાહી પરિવાર આફ્રિકામાં સંસ્થાનવાદના દૂષણ બદલ વળતર ચૂકવે અને સંસ્થાનવાદમાં શાહી પરિવારની ભૂમિકાની કબૂલાત કરે તેવી માગણી ઉઠાવી હતી.

દુબઈમાં Cop28 ક્લાઈમેટ કોન્ફરન્સમાં બોલતાં ન્દિલેકા મન્ડેલાએ જણાવ્યું હતું કે બ્રિટને આફ્રિકાના વિસ્તારોમાં સંસ્થાનવાદમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કરવો જોઈએ. સંસ્થાનવાદી વારસાના પરિણામે આફ્રિકાના લોકો આજે પણ ઘણું સહન કરી રહ્યા છે. અશ્વેત પ્રજાની સંસ્કૃતિનું વિસ્થાપન કર્યું હોવાની કબૂલાત શાહી પરિવારે કરવી જોઈએ અને તે પછી તેનું વળતર ચૂકવવું જોઈએ. આવી કબૂલાત થકી જ ઘા રુઝાવાની શરૂઆત થશે.

તાજેતરમાં કેન્યાની મુલાકાત વેળાએ કિંગ ચાર્લ્સ તૃતીયે કેન્યા સાથેના ઐતિહાસિક સંબંધોની વાત કરી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની લડાઈમાં કેન્યાવાસીઓ વિરુદ્ધ ગેરવાજબી અને હિંસાત્મક કાર્યોનો કોઈ બચાવ થઈ શકે નહિ તેમ જણાવવા સાથે સંસ્થાનવાદી અન્યાયોનો સ્વીકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter