નાઈરોબીઃ કેન્યાસ્થિત ભારતીય હાઈ કમિશનર આદર્શ સ્વાઈકાએ કેન્યાની નેશનલ એસેમ્બલીના સ્પીકર મોસેસ વેટાનગુલાની મુલાકાત લઈ સંસદીય વિનિમયોને મજબૂત બનાવવા તેમજ પાર્લામેન્ટરી મૈત્રીજૂથો મારફત અને દ્વિપક્ષી સંબંધો સુધારવાની ચર્ચા કરી હતી. આ બેઠક દરમિયાન હાઈ કમિશનર સ્વાઈકાએ ભારતીય લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો પત્ર પાઠવ્યો હતો જેમાં ભારતીય પાર્લામેન્ટમાં ઈન્ડિયા-કેન્યા પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રૂપના ગઠનની વાત જણાવાઈ હતી.
ભારતીય હાઈ કમિશન દ્વારા X પર જણાવાયું હતું કે હાઈ કમિશનર સ્વાઈકા અને સ્પીકર વેટાનગુલા વચ્ચે ચર્ચા દરમિયાન, કેન્યાની પાર્લામેન્ટમાં પાર્લામેન્ટરીફ્રેન્ડશિપ ગ્રૂપ ફોર ઈન્ડિયાના કન્વીનર ડેવિડ ઔમા ઓચિએન્ગ MP અને ગ્રૂપના સભ્ય ભારતીય મૂળના MP રહીમ દાઉદ પણ ઉપસ્થિત હતા.
આ ઉપરાંત, હાઈ કમિશનર સ્વાઈકાએ કેન્યાના યુથ એફેર્સ, ક્રીએટિવ ઈકોનોમી અને સ્પોર્ટ્સના કેબિનેટ સેક્રેટરી સલીમ મ્વુર્યાની મુલાકાત લીધી હતી તેમજ ક્ષમતાનિર્માણ, પ્રતિભા વિનિમય અને કૌશલ્ય ઈનિશિયેટિવ્સ સહિત યુવા સંપર્કો, સ્પોર્ટ્સમાં પાર્ટનરશિપ્સ અને ક્રીએટિવ ઈકોનોમીમાં સહકાર મજબૂત કરવા વિશે ચર્ચા કરી હતી.
સ્વાઈકાએ કેન્યાના ઈન્ટિરિયર એન્ડ નેશનલ એડમિનિસ્ટ્રેશનના કેબિનેટ સેક્રેટરી કિપચુમ્બા મુર્કોમેન સાથે મુલાકાત કરી દ્વિપક્ષી સંબંધો તેમજ વિવિધ ક્ષેત્રોમાં વધી રહેલા સહકાર સંદર્ભે ચર્ચા કરી હતી. ભારતીય હાઈ કમિશન દ્વારા X પર જણાવાયું હતું કે આ ચર્ચામાં ભારત અને કેન્યાના બહુલક્ષી સંબંધો, ઉચ્ચસ્તરીય મુલાકાતો, વેપાર અને રોકાણો, ડિફેન્સ અને સિક્યુરિટી, ક્ષમતાનિર્માણ અને ટ્રેનિંગ તેમજ લોકો વચ્ચે સઘન સંબંધો સહિતના વિષયોને આવરી લેવાયા હતા.
ભારતીય હાઈ કમિશન અનુસાર ભારત અને કેન્યા ભારતીય મહાસાગરમાં સમુદ્રી પડોશીઓ છે અને બંને દેશો વચ્ચેના મૈત્રીસંબંધો હવે મજબૂત અને બહુલક્ષી પાર્ટનરશિપમાં વિકસ્યા છે જેના પરિણામે, નિયમિત ઉચ્ચસ્તરીય મુલાકાતો, વેપાર અને રોકાણોમાં વૃદ્ધિ તેમજ લોકસંપર્કોમાં વધારો જોવા મળેલ છે.


