મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષલતાને છેતરપિંડીમાં 7 વર્ષની જેલ

Tuesday 17th June 2025 15:29 EDT
 
 

જોહાનિસબર્ગઃ ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્રોત બની રહેલા મહાત્મા ગાંધીના નામ અને પ્રતિષ્ઠાને તેમની 56 વર્ષીય પ્રપૌત્રી આશિષલતા રામગોબિને ડૂબાડ્યાં છે. ગાંધીજીના પૌત્રી અને જાણીતા માનવાધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને સ્વર્ગસ્થ મેવા રામગોબિનની પુત્રી આશિષલતા રામગોબિનને 6.2 મિલિયન રેન્ડ (3.22 કરોડ રૂપિયાની) છેતરપિંડી અને બનાવટના આરોપમાં ડર્બન સ્પેશિલાઈઝ્ડ કોમર્શિયલ ક્રાઈમ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે જેલ ની સજા સામે અપીલ કરવાની પરવાનગી પણ નકારી છે.

પોતાને સામાજિક, પર્યાવરણીય અને રાજકીય કાર્યકર્તા ગણાવતી આશિષલતા રામગોબિન સામે ઉદ્યોગપતિ એસ. આર. મહારાજ સાથે છેતરપિંડી કરવાનો આરોપ હતો. આશિષલતાએ 2015માં સાઉથ આફ્રિકાના એક હોસ્પિટલ જૂથ માટે ભારતમાંથી આયાત કરાયેલા શણના ત્રણ કન્ટેનર માટે કસ્ટમ્સ અને આયાત યુટી ચૂકવવા નાણાની જરૂર દર્શાવી નફામાં ભાગ આપવા મહારાજને વચન આપ્યું હતું. અસ્તિત્વ નહિ ધરાવતા શિપમેન્ટ બાબતે નકલી દસ્તાવેજો અને ઈનવોઈસ પણ દર્શાવ્યાં હતાં.

ઈલા ગાંધી અને રામગોબિનના પ્રતિષ્ઠિત નામ સંકળાયેલાં હોવાથી એસઆર મહારાજે વિશ્વાસ રાખી નાણા પૂરાં પાડ્યા હતા. છેતરપીંડી ધ્યાનમાં આવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પહેલી વખત આરોપ મૂકાયા પછી આશિષલતાને 50,000 રેન્ડના જામીન પર મુક્ત કરાઈ હતી.

આશિષલતા મહાત્મા ગાંધીના પુત્ર મણિલાલ ગાંધી દ્વારા સ્થાપિત ગાંધી ડેવલપમેન્ટ ફાઉન્ડેશનની પૂર્વ કાર્યકારી ડાયરેક્ટર પણ હતી. આશિષલતાની માતા ઇલા ગાંધીને ભારત અને દક્ષિણ આફ્રિકા બંને તરફથી રાષ્ટ્રીય સન્માન અપાયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter