કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ પાર્લામેન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે સખત ચેતવણી આપી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે લાંચ લેનાર અને આપનાર વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM)ના સમાપન સમારોહમાં પાર્ટીના સાંસદોને તેમણે જણાવ્યું હતું કે દેખરેખ રાખનારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચારથી વહીવટને નુકસાન અને રાષ્ટ્રીય સ્થિરતા માટે જોખમ સર્જાય છે.
પ્રેસિડેન્ટ મુસેવેનીએ લાંચ લેવાના આક્ષેપો સંદર્ભે ત્રણ સાંસદોની ધરપકડનો પણ ઉલ્લેખ કર્યો હતો. યુગાન્ડા હ્યુમન રાઈટ્સ કમિશનના બજેટમાં વધારાને પ્રભાવિત કરવા 20 ટકાના લાંચ માગવા સબબે મહિલા સાંસદ સિસ્સી નામુજ્જુ તેમજ યુસુફ મુટેમ્બુલી અને પૌલ અકામ્બાની 2024માં ધરપકડ કરાઈ હતી. જોકે, જાન્યુઆરી 2026માં તેમની સામેના આરોપો પડતા મૂકાયા હતા.
NRMના ચેરમેન મુસેવેનીએ જણાવ્યું હતું કે વ્હીસલબ્લોઅર્સે તેમને પાર્લામેન્ટમાં ભ્રષ્ટાચાર અંગે સાવધ કર્યા હતા. હવે તેઓ પાર્લામેન્ટમાં ભ્રષ્ટાચાર વિશે કશું સાંભળવા માગતા નથી. લાંચરુશ્વતની પ્રવૃત્તિ ચલાવી નહિ લેવાય તેવી ચેતવણી આપતા તેમણે લેજિસ્લેટર્સ અને જાહેર પદાધિકારીઓને જણાવ્યું હતું કે લાંચ લેનાર અને આપનાર કોઈ પણ વ્યક્તિને હોદ્દા પરથી હાંકી કઢાશે. કોઈ નાણા આપતું હોય તો લેશો નહિ અને તરત તેની જાણકારી આપશો. તેમણે લેજિસ્લેટર્સને બેન્કો અને મનીલેન્ડર્સ પાસેથી વધુ કરજ લેવા સામે પણ ચેતવણી આપી હતી.


