બામાકોઃ પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં વિવિધ આતંકી સંગઠનોના આતંકવાદીઓએ સંયુક્તપણે માલીની રાજધાની બામાકો સહિત કાટી, કિડાલ અને અન્ય શહેરો પર ભારે હુમલાઓ કર્યા હતા. માલીમાં અનેક સ્થળોએ બોમ્બવિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. આતંકવાદીઓએ એક-બે શહેરો પર કબજો મેળવ્યાના દાવા પણ કર્યા છે. બીજી તરફ, માલીનું લશ્કર પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આતંકીઓ પર હુમલા કરી રહ્યું છે. કાટીમાં સૈન્ય છાવણી પર થયેલાં આત્મઘાતી હુમલામાં દેશના સંરક્ષણ પ્રધાન જનરલ સાદિયો કમારાનું મોત થયું હતું.
માલીના લશ્કર દ્વારા જણાવાયું હતું કે આતંકીઓ સામે યુદ્ધ જારી છે. હુમલાખોરોનો સુરક્ષાદળો આક્રમકતાથી સામનો કરી રહ્યા છે. હુમલાખોર આતંકીઓ અન્ય શહેરો સુધી આગળ ના વધે તે માટે રોડ પર સૈન્ય દ્વારા મોટા બેરિકેડ સહિત અવરોધો ઉભા કરી દેવાયા છે. હુમલાઓને પગલે માલીની રાજધાની બામાકોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ કરી દેવુ પડયું હતું. ભારત,અમેરિકા, બ્રિટન સહિતના દેશોએ માલીમાં રહેતા પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની સલાહ આપી છે.
તાજેતરના વર્ષોમાં આ સૌથી મોટો જેહાદી હુમલો છે. અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સાથે જોડાયેલા આતંકીઓ, અલગતાવાદીઓ, કટ્ટરવાદીઓના સંગઠનો દ્વારા વર્ષોથી માલીમાં અશાંતિનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. અલગતાવાદી સંગઠન આઝાવાદ લિબરેશન ફ્રન્ટ દ્વારા ઉત્તરપૂર્વ શહેરોને નિશાન બનાવાયા છે જ્યારે જેહાદી ગ્રુપ જમાત નુસરત અલ ઇસ્લામ વલ મુસ્લિમિને સમગ્ર દેશમાં અનેક સ્થળોએ હુમલા કર્યા છે. આતંકવાદીઓએ શનિવારે રાત્રે બામાકો, ગાઓ, સેવાલે તથા કિડલ સહિતના દેશના અગ્રણી શહેરોમાં એકસાથે સંયુક્ત હુમલા કરી દીધા હતાં. અહેવાલો અનુસાર ઉત્તરીય માલીના વ્યુહાત્મક શહેર કિડલ પર વિદ્રોહીઓએ સંપુર્ણ કબજો મેળવી લીધો હતો. વિદ્રોહીઓના ભારે આક્રમણ સામે ત્યાં તૈનાત માલી સૈન્ય અને રશિયન આફ્રિકા કોર્પ્સના સૈનિકોએ પીછેહઠ કરવાની ફરજ પડી હતી.


