નાઈરોબીઃ કેન્યાના લેક બેરિંગોના લોંગીચારો ટાપુ પરથી ત્રીજા રોથ્સચાઈલ્ડ જિરાફને બચાવવામાં આવ્યું હતું. આ લેકની આસપાસ પાણીનું સ્તર વધતાં જમીનનો ભાગ પાણીમાં ગરકાવ થતાં તેમાં ફસાયેલાં પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે. જિરાફની નવ પ્રજાતિઓમાં રોથ્સચાઈલ્ડ સૌથી મોટું હોય છે અને તેની ઉંચાઈ છ મીટર સુધીની હોઈ શકે. તે જિરાફની સૌથી ભયંકર પ્રજાતિ છે.
NRT – Baringo કાઉન્ટીના એલોઈઝ નૈતેરાએ જણાવ્યું કે ત્યાં હજુ છ જિરાફ ફસાયેલા છે તેમનું આગામી મહિનાઓમાં સ્થળાંતર કરાશે. તમામ પ્રાણીઓને આગામી એપ્રિલ – મે સુધીમાં ખસેડી લેવાશે. ભારે વરસાદને લીધે આવેલા પૂરના કારણે તે ત્યાં ફસાયા હતા.
નૈતેરાએ ઉમેર્યું કે આ જિરાફોને શિકારીઓથી બચાવવા માટે ૨૦૧૧માં ટાપુ પર રખાયા હતા. જંગલોમાં ૨,૦૦૦થી ઓછાં રોથ્સચાઈલ્ડ જિરાફ હોવાનું મનાય છે. હાલ કેન્યામાં લગભગ ૮૦૦ સાથે આફ્રિકામાં ૩,૦૦૦થી ઓછાં રોથ્સચાઈલ્ડ જિરાફ રહ્યા છે.