કમ્પાલાઃ પ્રમુખ મુસેવેનીએ જાન્યુઆરી ૨૦૨૧માં યોજાનારી ચૂંટણીમાં અવરોધ ઉભો કરનાર સામે કડક હાથે કામ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે દલીલ કરી હતી કે નેશનલ રેઝિસ્ટન્સ આર્મી (NRA) માં તેઓ અને તેમના સાથીઓ ૧૯૮૦ના દાયકામાં શાંતિ માટે લડ્યા હતા. નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM) ની પણ સત્તા સંભાળતા મુસેવેનીએ સ્ટેટ હાઉસ એન્ટેબી ખાતે નેશનલ પ્રેયર્સ માટે એકઠા થયેલાં ધાર્મિક અગ્રણીઓ અને સરકારી અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે અમે શાંતિ માટે લડ્યા હતા તેથી ચૂંટણી શાંતિપૂર્ણ રહેશે. મેં વિદેશીઓ સહિત કેટલાંક લોકોને રમત કરતાં જોયા છે. પરંતુ, હું તમને ખાતરી આપી શકું કે આ ચૂંટણી શાંતિપૂર્ણ હશે. અવરોધ ઉભો કરનારે ભોગવવું પડશે.
૭૬ વર્ષીય મુસેવેનીએ યુગાન્ડામાં અંધાધૂંધી ફેલાવવા શેરીના બાળકોને ગાંજો અને નાણાં પૂરા પાડવા સ્થાનિક તકવાદીઓ સાથે મળીને કામ કરવાનો વિદેશી નાગરિકો પર આક્ષેપ કર્યો હતો. NRM કેડર્સને આવા બાળકો સુધી પહોંચવા જણાવ્યું હોવા છતાં તેઓ જતા ન હોવાથી થોડાક અંશે.NRMના લોકો આળસુ અને સ્વાર્થીપણું કરે છે તે તેમની પોતાની ભૂલો છે. પરંતુ, તેઓ વિરોધપક્ષોની માફક અવરોધ ઉભો કરતા નથી. તેમણે ઉમેર્યું કે સદનસીબે અમે તેમના (સ્ટ્રીટ ચીલ્ડ્રન) સંપર્કમાં છીએ.
પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું કે ગયા મહિને થયેલા રમખાણો પછી તેઓ કમ્પાલાની શેરીઓમાં કોઈપણ પ્રકારની હિંસા સાંખી લેશે નહિ. તે રમખાણોમાં પરિસ્તિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા જવાનોએ ગોળીબાર કરતા ૫૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકોને ઈજા થઈ હતી.