કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ દેશના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના હોદ્દામાં તાજેતરમાં ફેરફાર કર્યા હતા. તેમણે ફરીથી પોતાના પુત્ર લેફ્ટનન્ટ જનરલ મુહુઝી કૈનરઉગાબાની સ્પેશિયલ ફોર્સીસ કમાન્ડના ટોપ કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. તેમણે તેમના વિશ્વાસુ ઉચ્ચ અધિકારી મેજર જનરલ સબિતી મુઝેયીને ડેપ્યૂટી પોલીસ ચીફના હોદ્દેથી દૂર કર્યા હતા.
DIGP ના હોદ્દેથી દૂર કરાયેલા મૂઝેયીના સ્થાને બ્રિગેડિયર જનરલ પોલ લોકેચને મૂકવામાં આવ્યા હતા. લોકેચે સોમાલિયા સહિત કેટલીક મુશ્કેલ લડાઈઓ જીતી હતી. સોમાલિયાના યુદ્ધમાં મોરચા પર આગળ રહીને કમાન્ડર તરીકે નેતૃત્વ સંભાળવા બદલ તેમની પ્રશંસા થઈ હતી. પોલીસમાં થયેલી તેમની નિમણૂક, મોગાદિશુમાં શહેરી આતંકવાદ સામે લડીને મેળવેલી ખ્યાતિ પછી થયેલી સંખ્યાબંધ નિમણૂક પૈકી એક છે. મુસેવેની આગામી ૧૪ જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી પહેલા તેને એક ઉપયોગી અનુભવ તરીકે જુએ છે.
આ વખતે ફેરફારોની સત્તાવાર યાદીમાં મુસેવેનીએ નિમણુંક મેળવનાર માટે બે મહત્ત્વના સંદેશા બીડ્યા હતા. તેમણે અગાઉ આવું ક્યારેય કર્યું નથી. મુસેવેનીએ જણાવ્યું કે વિદેશી સમર્થકો સાથે કેટલાંક લોકોનું ગ્રૂપ તેમને સત્તા પરથી ઉથલાવવા માગતું હતું અને આ પરિસ્થિતિને માત્ર લશ્કરે જ બચાવી લીધી હતી. થોડા અઠવાડિયા પહેલા થયેલા બળવાને નિષ્ફળ બનાવવા બદલ મુસેવેનીએ લશ્કરનો આભાર માન્યો હતો.
તેમણે જણાવ્યું કે પોલીસ લોકોના જાનમાલનું રક્ષણ કરવાની ફરજમાં નિષ્ફળ રહી હતી. પોલીસે યુગાન્ડાવાસીઓને અરાજકતા અને તેમના જાનમાલને જોખમ સામે રક્ષણ આપવું પડશે. કોઈ પણ પોલીસ તેની આ ફરજ નહીં બજાવે તો તેણે પોલીસ ફોર્સ છોડવો પડશે. હજારો લોકો તેમની જગ્યાએ જોડાવા તૈયાર છે.