કમ્પાલાઃ યુગાન્ડામાં 1986થી સત્તા પર રહેલા 81 વર્ષીય યોવેરી મુસેવેનીએ મંગળવાર 12 મેએ સાતમી વખત પ્રમુખપદના શપથ લીધા હતા. જાન્યુઆરીમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને વિપક્ષ પર ધામધમકીના અહેવાલો મધ્યેની વિવાદાસ્પદ ચૂંટણીમાં તેમણે ભારે સરસાઈથી વિજય હાંસલ કર્યો હતો. નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ પાર્ટીના નેતા મુસેવેનીને 71.65 ટકા અને તેમના મુખ્ય હરીફ બોબી વાઈનને 24.72 ટકા મત મળ્યા હતા.
આફ્રિકામાં સૌથી લાંબુ શાસન કરનારા નેતાઓમાં એક મુસેવેનીએ રાજધાની કમ્પાલાના કોલોલો ઈન્ડિપેન્ડન્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના શપથ લીધા ત્યારે હજારો લોકોએ તેમને વધાવી લીધા હતા. મુસેવેનીએ 1986માં સત્તા સંભાળ્યા પછી પ્રમુખના હોદ્દાની મુદત અને વયમર્યાદાને દૂર કરવા બે વખત બંધારણમાં સુધારા કર્યા હતા. મુસેવેની પછી તેમનો પુત્ર અને લશ્કરી વડા જનરલ મુહૂઝી કાઈનેરુગાબા સત્તા સંભાળે તેવી શક્યતા જણાય છે.


