કમ્પાલાઃ પોર્ટફોલિયો વિનાના પૂર્વ પ્રધાન હાજી અબ્દુ નદ્દદુલીએ જણાવ્યું હતું કે પ્રમુખ યોવેરી મુસેવેની તેમના પરિવારના સભ્યોની સંડોવણી સાથેના ભ્રષ્ટાચારના મામલાનું જે રીતે સંચાલન કરે છે તેનાથી પોતે ખુશ નથી. UgNews24 ઓનલાઈન ચેનલ સાથેની મુલાકાતમાં નદ્દદુલીએ જણાવ્યું હતું કે તેમના પરિવારને સંડોવતા ભ્રષ્ટાચારના સંખ્યાબંધ કેસ બહાર આવ્યા છે. પરંતુ, પ્રમુખ મુસેવેની ગુનેગારો પ્રત્યે હંમેશાં ઉદાર રહ્યા છે. ભવિષ્યમાં સત્તા પરિવર્તન થશે ત્યારે આ લોકો તેમના માટે સમસ્યાઓ ઉભી કરરશે.
ચાર વખત પ્રમુખપદના ઉમેદવાર રહી ચૂકેલા ડો. કિઝા બેસિગ્યે અને પ્રથમ પુત્ર જનરલ મુહુઝી કૈનરઉગાબા વચ્ચે તાજેતરમાં થયેલા સોશિયલ મીડિયા વોરને પગલે નદ્દદુલીએ આ પ્રતિક્રિયા આપી હતી. બેસિગ્યુએ કૈનરઉગાબાની પત્ની શાર્લોટ કૈનરઉગાબા સામે કોવિડ-૧૯ બોનાન્ઝાના કેટલાંક લાભાર્થી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડિસેમ્બરની શરુઆતમાં કેટલાંક મીડિયા ગૃહોએ આક્ષેપ કર્યો હતો કે શાર્લોટની કંપની સિલ્વરબેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ખૂબ ઊંચા ભાવે મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ આપ્યો હતો. તેને પગલે બેસિગ્યુએ આ મામલે ટિપ્પણી કરી હતી.
બોનાન્ઝાના લાભાર્થીઓમાં શ્રીમતી શાર્લોટ કિનેરુગાબા (જનરલ મુહુઝીના પત્ની) અને તેમની બહેન શ્રીમતી ઈશ્તા મુગાન્ગા છે. તે બન્ને મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ સામ કુતેસાની પુત્રીઓ છે તેમ બેસિગ્યેએ ટ્વિટમાં જણાવ્યું હતું. તેમના આ હુમલાથી મુહુઝીને પત્નીનો બચાવ કરવાની ફરજ પડી હતી. બેસિગ્યેએ શાર્લોટને NRM/M7 Junta “royals” કહ્યા હતા. મુહુઝીએ બેસિગ્યેને પ્રશ્ર કર્યો હતો કે ૧૯૮૫માં તેઓ મ્ઝી મુસેવવેની સાથે સ્વીડનમાં તેમના ઘરે ગયા ત્યારે તેઓ રોયલ હતા ?