કમ્પાલાઃ યુગાન્ડાના ત્રીજા સૌથી મોટા શહેર મ્બાલેના મધ્યમાં સાયનો-યુગાન્ડા મ્બાલે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે જે પ્રમુક યોવેરી મુસેવેનીએ સૂચવેલા રાષ્ટ્રીય.સ્તરના ૨૨ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક પૈકી એક છે. ૨૦૧૯ ના મધ્ય સુધીમાં આ પાર્કમાં વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન શરૂ કરવા માટે ત્રણ રોકાણકારોને યુગાન્ડા ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ મંજૂરી આપી હતી. હાલ આ પાર્કમાં પર્લ લાઈટ ટેક્નોલોજી લિમિટેડ, યુગાન્ડા વિક્ટોરિયા કેબલ્સ લિમિટેડ, ક્યોગા કેપિટલ ટેક્સટાઈલ લિમિટેડ અને ઓબોન કાર્યરત છે અને મ્બાલેના લોકોને રોજગારી પૂરી પાડે છે.
આ પાર્કમાં ૬૦ ફેક્ટરી કાર્યરત થાય તેવી ક્ષમતા છે. વધુ રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેનાથી મ્બાલેના ૧૫,૦૦૦ થી વધુ લોકોને રોજગારી મળી શકશે.
કમ્પાલાથી ૨૨૦ કિ.મી.ના અંતરે આવેલો આ પાર્ક ૨.૫૧ સ્ક્વેર કિ.મી.માં ફેલાયેલો છે. તે કેન્યન બોર્ડરથી ૬૫ કિ.મી.ના દૂર અને સ્ટાન્ડર્ડ ગેજ રેલવે પ્રોજેક્ટની બાજુમાં આવેલો છે. ત્યાંથી દરેક જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન શક્ય છે. પાર્કની જમીન સમતલ છે અને નજીકમાં પૂરતો લેબર ફોર્સ પણ ઉપલબ્ધ છે. ત્યાં ઈલેક્ટ્રિક હાઈ-વોલ્ટેજ લાઈન અને પાણીના ભરપૂર સ્રોતો અને સારુ ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક છે. ૬૧૯ એકરના પાર્કમાં ૨૦ એકર જમીન નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ફાળવવામાં આવી છે.
કમ્પાલા અને કેન્યન બોર્ડર વચ્ચે આવેલું મ્બાલે મહત્ત્વનું બોર્ડર સિટી મનાય છે. આ લોકેશન ઉપરાંત, શહેરના સુવિક્સિત રસ્તા અને ટ્રાન્સપોર્ટ નેટવર્કનો પણ શહેરને બિઝનેસ હબમાં રૂપાંતરિત કરવામાં મોટો ફાળો છે.
મ્બાલેમાંથી ઈસ્ટ આફ્રિકા, નોર્થ અને સાઉથ આફ્રિકા અને મીડલ ઈસ્ટ તથા વેસ્ટ એશિયાના દેશોમાં માલ-સામાનનું ડિસ્ટ્રિબ્યુશન સરળતાપૂર્વક થઈ શકે છે.
યુગાન્ડાની સરકાર મ્બાલેના વિકાસને વધુ મહત્ત્વ આપે છે. તે બાબત શહેરના ઝડપી વિકાસની સમજ આપે છે. શહેરમાં યુનિવર્સિટીઓ, બેંકો, હોસ્પિટલો, હોટલો. શોપીંગ મોલ્સ અને અન્ય સુવિધાઓ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
શહેરનું વિક્સિત કૃષિ ક્ષેત્ર પણ મ્બાલેને દેશ અને પ્રદેશ માટે ફૂડ બાસ્કેટ બનાવે છે. શહેરમાં ટેક્સ્ટાઈલ્સ, ચોખા, કોફી,કપાસ, ફળો, શાકભાજી અને અનાજનું મોટાપાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. સાથે જ કોફી પ્રોસેસિંગ, વુડ પ્રોસેસિંગ અને અન્ય ઉદ્યોગોએ મ્બાલેના વિકાસની તકોને ખૂબ ઉજળી બનાવી છે.