કમ્પાલાઃ યુગાન્ડાની કોર્ટે દેશદ્રોહના આરોપ સાથે 9 મહિનાથી જેલમાં રખાયેલા વિપક્ષી નેતા કિઝા બેસિગ્યેને જામીન મંજૂર કરવા ઈનકાર કર્યો છે. આના પરિણામે, આગામી વર્ષના આરંભે યોજાનારી યુગાન્ડાની સામાન્ય ચૂંટણી પહેલા સરકારનો વિરોધ કરનારાઓમાં ચિંતા સર્જાઈ છે. વર્તમાન પ્રમુખ 80 વર્ષીય યોવેરી મુસેવેનીએ પુનઃ ઉમેદવારી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે બેસિગ્યેએ ચાર વખત પ્રમુખ મુસેવેની વિરુદ્ધ ઉમેદવારી કરી પરાજય વહોર્યો છે.
જજ એમાન્યુએલ બાગુમાએ 8 ઓગસ્ટ શુક્રવારે જામીનઅરજી નકારતા જણાવ્યું હતું કે ફરજિયાત જામીન આપવા માટે 180 દિવસનો સમયગાળો પૂર્ણ થતો નથી. બેસિગ્યેને 21 ફેબ્રુઆરીએ સિવિલિયન કોર્ટના રિમાન્ડ અપાયા હતા. આમ જામીન મળવામાં 12 દિવસ ઘટતા હોવાનું કોર્ટે જણાવ્યું હતું. બેસિગ્યેના વકીલોની દલીલ હતી કે તેણે જેલમાં 180થી વધુ દિવસો વીતાવ્યા હોવાથી આપમેળે જામીન મંજૂર કરાવા જોઈએ.