કમ્પાલાઃ તાજેતરમાં યુગાન્ડાની સંસદમાં મંજૂર કરાયેલા ૨૦૨૧-૨૨ ના બજેટ માટે Ush ૪૫.૬૫ ટ્રિલિયન (૧૨.૩૮ બિલિયન ડોલર) નો અંદાજ મૂકવામાં આવ્યો છે. દેશની કુલ સ્થાનિક આવક Ush૨૧.૬૯ ટ્રિલિયન (૫.૮૮ બિલિયન ડોલર) અંદાજવામાં આવી છે તેમાંથી ૯૬.૭ ટકા રકમ એટલે કે Ush ૨૦.૯ ટ્રિલિયન (૫.૬૬ બિલિયન ડોલર) દેવાંની પરત ચૂકવણીમાં વપરાશે. આ સ્થાનિક આવકમાંથી Ush ૨૦.૧૩ ટ્રિલિયન (૫.૪૬ બિલિયન ડોલર) જેટલી ટેક્સની આવક થશે.
દેશ પર દેવાંનો બોજ વધતો જ રહ્યો છે અને સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેસૂલી ખાધ અને કોવિડ - ૧૯ સંબંધિત જરૂરી ખર્ચનેપહોંચી વળવા માટે વધારાના બોરોઈંગ - કરજની જરૂર છે. યુગાન્ડા કોવિડ - ૧૯ને લીધે ખોરવાયેલા અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માગે છે તેથી આગામી નાણાકીય વર્ષમાં તે સ્થાનિક આવકના મોટાભાગના હિસ્સાનો ઉપયોગ દેવાંની ચૂકવણીમાં કરશે. ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રોમાં આર્થિક રિકવરીના સંકેત છતાં, ટેકસ નિષ્ણાતો ટેક્સ રેવન્યુ ગ્રોથમાં વ્યાપક આર્થિક ઘટાડાની એકત્રિત અસરની ચિંતા કરી રહ્યા છે. ટેક્સની આવકમાં ઘટાડો થાય તો સરકારનું બોરોઈંગ વધે અને દેવાની ચૂકવણી સમયસર ચૂકવવામાં મુશ્કેલી પડે.
યુગાન્ડાના નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોના ડિરેક્ટર મોસેસ કાગવાએ જણાવ્યું હતું કે Ush ૪૦૦ બિલિયનની ફાળવણી સ્થાનિક એરિયર્સ માટે અપૂરતી જણાય છે અને આગામી ૧લી એપ્રિલ પહેલા સંસદમાં બજેટની આખરી દરખાસ્તો સુપરત કરવામાં આવે તે પહેલા તેની સમીક્ષા કરવામાં આવશે.
સિવિલ સોસાયટી બજેટ એડવોકસી ગ્રુપના કો ફાઉન્ડર જુલિયસ મુકુન્ડાએ જણાવ્યું કે બજેટની અડધા ઉપરાંતની રકમ વિદેશી સ્રોત અને સ્થાનિક માર્કેટ એમ બન્ને ક્ષેત્રના ધિરાણથી આવશે.