લંડનઃ યુગાન્ડાની સેન્ટ્રલ બેન્ક આ મહિનાથી ડોમેસ્ટિક ગોલ્ડ પરચેઝિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરી રહી છે. બેન્કે જણાવ્યું હતું કે, સોનાની કિંમતોમાં થઇ રહેલા વધારાને જોતાં અમે પણ વિશ્વના અન્ય દેશોની જેમ સોનાનો અનામત જથ્થો રાખવાનું નક્કી કર્યું છે.
આમ તો યુગાન્ડાએ બે વર્ષ પહેલાં આ યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેનાથી દેશની સોનાની અનામતમાં વધારો થશે અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ માર્કેટના જોખમો સામે દેશના અર્થતંત્રને સુરક્ષા મળશે. જો બધું સરળ રીતે આગળ વધશે તો અમે માર્ચથી જૂન મહિનામાં ઓછામાં ઓછા 100 કિલો સોનાની ખરીદી કરી શકીશું. આ માટે મે ગોલ્ડ રિફાઇનર્સ સાથે પણ મંત્રણા કરી રહ્યાં છીએ.
યુગાન્ડાની જેમ કેન્યા અને કોંગોની સેન્ટ્રલ બેન્કોએ પણ તેમના વિદેશી હુંડિયામણમાંથી સોનાની ખરીદી કરવાની યોજનાઓની જાહેરાત કરી છે. ગયા વર્ષે યુગાન્ડાએ 5.8 બિલિયન ડોલરના સોનાની નિકાસ કરી હતી.

