કમ્પાલાઃ યુગાન્ડાના માનવ અધિકારના જાણીતા વકીલ નિકોલસ ઓપીયોને મની લોન્ડરિંગના આરોપસર અટકમાં લેવાયા હતા. ૩૭ વર્ષીય ઓપીયો કમ્પાલામાં ૨૪ ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા હતા. તેમને ૨૮ ડિસેમ્બર સુધી કમ્પાલાથી ૫૦ કિ.મી દૂર આવેલી જેલમાં રિમાન્ડ માટે કસ્ટડીમાં મોકલી અપાયા હતા. આ કેસ એન્ટી-કરપ્શન કોર્ટને સોંપાયો છે.
રાઈટ્સ ગ્રૂપ ચેપ્ટર ફોર યુગાન્ડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓપીયોએ સંસ્થાના બેંક ખાતામાંથી ૨૫૨,૦૦૦ પાઉન્ડ ઉપાડ્યા હતા તેવો તેમના પર આક્ષેપ છે. આ રકમ ગુના દ્વારા મેળવાયેલી હતી તે તેઓ જાણતા હતા. કોર્ટનું જ્યુરિસ્ડિક્શન લાગુ ન પડતું હોવાથી ઓપીયો તેમની રજૂઆત કરી શક્યા ન હતા. સંસ્થાના બોર્ડ દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે તેઓ માને છે કે આ આરોપો ખોટા અને ઘડી કઢાયેલા છે.
૨૨ ડિસેમ્બરે સાદા કપડામાં આવેલા સિક્યુરિટી અને ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ ઓફિસરોએ કમ્પાલાની એક રેસ્ટોરાંમાંથી તેમને અને હર્બર્ટ દકાસી, એન્થની ઓડર અને એસોમુ ઓબુરે એમ અન્ય ત્રણ વકીલો તથા નેશનલ યુનિટી પ્લેટફોર્મના હ્યુમન રાઈટ્સ ઓફિસર હમીદ તેનીવાને અટકમાં લીધા હતા. આ ચારેને પોલીસ બોન્ડ પર છોડી દેવાયા હતા.