કમ્પાલાઃ યુગાન્ડાના બિલ્યોનેર ડો.સુધીર રૂપારેલિયાએ પ્રતિભાશાળી પત્રકાર ઈવાન ઓકુડાને યુ.કેમાં વધુ અભ્યાસ માટે નાણાંકીય સહાયની ઓફર કરી હતી. આ સહાયથી ઓકુડા યુનિવર્સિટી ઓફ લંડનમાં માસ્ટર્સ ઈન લો (કોર્પોરેટ એન્ડ કોમર્શિયલ લો) નો અભ્યાસ કરી શકશે. ડેઈલી મોનીટરના ભૂતપૂર્વ પત્રકાર અને હાલ એન્ગ્વીરા એન્ડ કંપની એડવોકેટ્સમાં લીગલ એસોસિએટ તરીકે ફરજ બજાવતા ઓકુડાએ ૧૧મી નવેમ્બરે ટ્વીટમાં જણાવ્યું ,' ડો. સુધીર રૂપારેલિયાએ ઉદારતાપૂર્વક આપેલા યોગદાન બદલ હું તેમને આભારી છું અને સન્માનિત થયો હોવાની લાગણી અનુભવું છું. આ સહાયથી હું યુનિવર્સિટી ઓફ લંડનમાં માસ્ટર્સ ઈન લો (કોર્પોરેટ એન્ડ કોમર્શિયલ લો) નો અભ્યાસ કરી શકીશ. તેમની ઉદારતાથી હું ખૂબ પ્રભાવિત અને કૃતજ્ઞ છું.'
આ યુવા પ્રતિભાશાળી પત્રકાર અને લોયર હમણાં જ સાઉથ આફ્રિકાથી પાછા ફર્યા છે. ત્યાં તેઓ યુનિવર્સિટી ઓફ વીટવોટરસ્રેન્ડમાં ૨૦૧૯ KAS મીડિયા આફ્રિકા સ્કોલર હતા.
તેઓ માસ્ટર્સ ઈન લો પૂરું કરશે તો તેઓ તેમની વયના સૌથી વધુ વંચાતા યુગાન્ડાના પત્રકાર/વકીલ પૈકી એક બનશે અને તેમનું ભાવિ જીવન વધુ ઉજ્જવળ બનશે.