યુગાન્ડાના પ્રમુખ મુસેવેની ચાર દાયકા શાસન કરવા ઈચ્છુક

Wednesday 05th August 2020 06:44 EDT
 
 

કમ્પાલાઃ ઘણાં વર્ષોથી યુગાન્ડામાં શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીએ સોમવારે નોમિનેશન પેપર્સ મળી જાય તે પછી પોતાનું શાસન ચાર દાયકા સુધી લંબાવવાની ઈચ્છાને સમર્થન આપ્યું હતું. પીઢ નેતા ૨૦૨૧ના ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવશે તો ૧૯૮૬થી જાળવી રાખેલી સત્તા સંભાળી રાખશે. આ સપ્ટેમ્બરમાં તેઓ ૭૬ વર્ષના થશે.

પક્ષના પ્રમુખપદના ઉમેદવાર અને ચેરમેનશિપ નોમિનેશન પેપર્સ માટે મુસેવેનીએ ૨૦ મિલિયન યુગાન્ડન શિલિંગ (અંદાજે ૫,૩૭૫ ડોલર) ચૂકવ્યા હોવાનું શાસક નેશનલ રેઝિસ્ટન્સ મુવમેન્ટ (NRM) ચૂંટણીપંચના ચેરમેન ટાન્ગા ઓડોઈએ સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રીય ચૂંટણી પંચે પ્રમુખપદના ઉમેદવારોના નોમિનેશન માટે આ વર્ષની ૩ અને ૪ નવેમ્બર નિશ્ચિત કરી છે.

૪૨ વર્ષની ઉંમરે પ્રમુખ મુસેવેનીએ યુગાન્ડા પીપલ્સ કોંગ્રેસના એપોલો મિલ્ટન ઓબોટને બીજી ટર્મ (૧૯૮૦ થી ૧૯૮૫) દરમિયાન ઉથલાવીને તથા ખૂબ ટૂંકા સમય સત્તા પર રહેલા ટીટો ઓકેલો અને બેઝિલો ઓલારા ઓકેલાના

મિલિટરી જૂન્ટાને ગેરિલા યુદ્ધ દ્વારા ઉથલાવીને ૧૯૮૬માં સત્તા હાંસલ કરી હતી. લશ્કરી જૂથે લગભગ છ મહિના સત્તા સંભાળી હતી.

મુસેવેનીએ પ્રથમ ૧૦ વર્ષ ચૂંટણી યોજ્યા વિના શાસન કર્યું હતું. ઓક્ટોબર ૧૯૯૫માં દેશનું નવું બંધારણ પસાર કરાયા પછી યુગાન્ડાવાસીઓએ જૂન ૧૯૯૬માં તેમના શાસનમાં પહેલી વખત મતદાન કર્યું હતું. બંધારણમાં પ્રમુખપદની પાંચ – પાંચ વર્ષની બે ટર્મની સમયમર્યાદા હતી. દસ વર્ષ પછી ૨૦૦૫માં તેમણે આ મર્યાદા વધારીને ૧૦ વર્ષની કરી હતી જેથી તેઓ ફેબ્રુઆરી ૨૦૦૬ની ચૂંટણી લડી શકે.

તેમણે બીજો બંધારણીય સુધારો પ્રમુખપદના ઉમેદવારની ઉંમરમાં કર્યો હતો. તેઓ ચૂંટણી લડવાથી વંચિત ન રહી જાય તે માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર ૩૫ અને મહત્તમ ૭૫ વર્ષની હતી તે જોગવાઈ ડિસેમ્બર ૨૦૧૭માં દૂર કરવામાં આવી હતી. મુસેવેનીના પૂર્વ સાથીઓ સહિત ઘણા ચૂંટણીજંગમાં ઝંપલાવશે પરંતુ, ગત ચાર ચૂંટણીમાં તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી રહેલા ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જના નેતા કર્નલ ડો. કિઝા બેસિગ્યેએ હજુ નોમિનેશન ફોર્મ મેળવ્યા નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter