યુગાન્ડાના સૌથી ગરીબ અને હિંસાગ્રસ્ત વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવતા તબીબો

Tuesday 29th August 2023 02:48 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડામાં સૌથી ગરીબ અને હિંસાસભર વિસ્તાર કારામોજામાં ત્રણ તબીબોએ સેવાની ધૂણી ધખાવી છે. અહીં બેરોજગાર યુવાનોએ હાથમાં શસ્ત્રો ધારણ કરેલા છે અને ગમે ત્યારે ખૂનામરકી સર્જાય છે. આવી સ્થિતિમાં 1.2 મિલિયન વસ્તી ઘરાવતા વિસ્તારમાં મિડવાઈફ ગ્રેસ આપીઓ ઓકેલ્લો, પશુતબીબ એરિક કિબવોટા અને આંખના નિષ્ણાત ગ્લેડીસ એટ્ટો જીવનાં જોખમે પણ લોકસેવા કરી રહ્યાં છે.

ચોતરફ ગોળીઓ વરસી રહી હોય ત્યારે પણ ગ્રેસ આપીઓ ઓકેલ્લો બાળકનો જન્મ કરાવવામાં તલ્લીન હોય છે. તેઓ કહે છે કે તમે બીજા દિવસે જીવતા હશો કે નહિ તેની જાણ કદી હોતી નથી. પશુના ધણ ચોરનારાઓ તમે હેલ્થ વર્કર છો કે કેમ તેની જાણ રાખવાની તસ્દી લેતા નથી. કોટિડો ડિસ્ટ્રિક્ટના રેન્જેન હેલ્થ સેન્ટરમાં 2015થી કાર્યરત ઓકેલ્લો કહે છે કે તેને ડર તો રહે છે પરંતુ, તે ભાગી જઈ શકે નહિ. ઘણી વખત ક્લિનિકની બહાર ગોળીબાર ચાલુ હોય ત્યારે તે પ્રસવ કરાવતી હોય છે. રેન્જેન હેલ્થ સેન્ટરમાં બે મીડવાઈફ છે અને સામાન્ય રીતે મહિનામાં 30 બાળકની ડિલિવરી થાય છે પરંતુ, ઘણી વખત આંકડો 60 નજીક પહોંચે છે.

લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીનના ગ્રેજ્યુએટ આંખના સર્જન ગ્લેડીસ એટ્ટો પણ 2018થી કારામોજા વિસ્તારમાં એક માત્ર નિષ્ણાત છે. તેઓ કહે છે કે ઘણી વખત કામ છોડી દેવાનું મન થાય છે પરંતુ, વિચાર આવે છે કે ઈશ્વર મારી રક્ષા કરે છે અને મોત તો ગમે ત્યાં આવી શકે છે. યુગાન્ડાની 48 મિલિયનથી વધુ વસ્તીમાં કાર્યરત માત્ર 45 આઈ સ્પેશિયાલિટ્સમાં ગ્લેડીસ એટ્ટો એક છે. સ્ક્વેર માઈલ્સમાં પથરાયેલા વિસ્તારની મોરોટો હોસ્પિટલમાં કામ સાથે સર્જિકલ કેમ્પ્સ અને હોમ વિઝિટ્સ સાથે તેઓ સપ્તાહના સાતેય દિવસ કામ કરે છે. ગ્લેડીસ એટ્ટો અને તેમની ટીમે 2020થી મોતીઆના 7000થી વધુ ઓપરેશન્સ કર્યા છે.

પશુધણ ચોરનારાઓ અને આર્મી વચ્ચે ગોળીબારની રમઝટ ચાલતી હોય તેવા વિસ્તારમાં રહેવું અને કામ કરવું કેટલું જોખમી છે તે તો પશુતબીબ એરિક કિબવોટા જ કહી શકે કારણકે તેમણે ઘણી વખત આ અનુભવ્યું છે. કમ્પાલાની માકેરેરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા કિબવોટાને બાળપણથી જ પરિવારના ફાર્મમાં પશુઓની સારસંભાળ લેવાનો આનંદ મળતો હતો. તેમણે 2020થી મોરોટોની હોસ્પિટલમાં કામ શરૂ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter