કમ્પાલાઃ પ્રમુખ યોવેરી મુસેવેનીના સીનિયર પ્રેસ સેક્રેટરી ડોન વાન્યામાએ યુગાન્ડા ખાતેના અમેરિકી રાજદૂત મિસ નાતાલિ ઈ. બ્રાઉનને યુગાન્ડાની આંતરિક બાબતોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. નાતાલિએ હ્યુમન રાઈટ્સના વકીલ નિકોલસ ઓપીયોની ધરપકડ અને અટકાયતની ટીકા કરતા આ મામલો શરૂ થયો હતો. નકાવા ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગયા ગુરુવારે ઓપીયો પર મની લોન્ડરિંગનો આરોપ મૂકાયો હતો અને તેમને ૨૮ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.
આ ઘટના પછી નાતાલિએ ટ્વિટ કર્યું હતું,‘ @NickOpiyoવિરુદ્ધ આરોપ અને બીજી કોર્ટને તેમનો કેસ રિમાન્ડ કરવાના તેમજ તેમની અટકાયત ચાલુ રાખવાના આજે લેવાયેલા એકમાત્ર નિર્ણય વિશે જાણીને નિરાશ થઈ છું. #JusticeDelayedIsJusticeDenied.”’
તેની પ્રતિક્રિયામાં વાન્યામાએ તેમને તેમના યજમાન દેશ યુગાન્ડાની સિસ્ટમની પ્રશંસા કરવા તેમજ લોકશાહી પ્રક્રિયાને માન આપવા જણાવ્યું હતું. વાન્યામાએ જણાવ્યું હતું, ‘ તમે તમારા યજમાન દેશની પ્રણાલિની પ્રશંસા કરવા માટે સમય આપો. અન્ય કોર્ટને કેસ રિમાન્ડ કરાયો હોય તેવું કાંઈ નથી. મહત્ત્વનું છે કે તમે અમારી પ્રક્રિયાને માન આપો. પ્રમુખ ટ્રમ્પે સ્ટોન્સ, માનાફોર્ટ અને કુશ્નરને માફી આપી તે વિશે અમે અમારા મંતવ્યો જણાવીએ તો કેવું થાય તેની કલ્પના કરો.’