કમ્પાલાઃ શરણાર્થીઓેને આવકારવાની બાબતમાં ઈસ્ટ આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડા જાણીતું છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસના જણાવ્યા મુજબ અંદાજે ૧,૪૦૦,૦૦૦ લોકોએ યુગાન્ડામાં આશ્રય મેળવ્યો છે. શરણાર્થીઓ ઝડપથી યુગાન્ડન સમાજમાં ભળી જાય તે માટે કમ્પાલા દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ છે અને નવા આવનારા લોકો પ્રસંગોપાત તેમના યજમાન સમુદાયના પૂર્ણ સભ્ય બની જાય છે.
નાની ઉંમરે સરહદ પાર કરીને આવનારા બાળકોને યુગાન્ડાની સ્કૂલોમાં ઉછેરવામાં આવે છે. તેમ કરીને બેવડી સંસ્કૃતિને પ્રોત્સાહન અપાય છે અને યુવા શરણાર્થીઓને તેમના નવા વતનમાં રહેવાનો ઉત્સાહ વધારાય છે. સાઉથ સુદાનના શરણાર્થી ગેનીકો જેરીએ સ્થાનિક શિક્ષણ પદ્ધતિ અંગેના પોતાના સકારાત્મક અનુભવને શેર કરતાં કહ્યું કે યુગાન્ડામાં તેમને જે શિક્ષણ મળ્યું તે ખૂબ મદદરૂપ થયું છે.
વેસ્ટ નાઈલ પ્રદેશના કેમ્પ્સમાં રહેતા મોટાભાગના શરણાર્થીઓની હાલત સારી નથી. તેમને હેલ્થકેર, પીવાનું પાણી અને ઈલેક્ટ્રિસિટીની સમસ્યા છે. કોવિડ -૧૯ને લીધે તેમની હાલની પડકારજનક સ્થિતિની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
૨૦ વર્ષ અગાઉ આવેલા ૭૫ વર્ષીય જહોન જોહ કુર માટે તેમના પર આધારિત પરિવારજનોનું ભરણપોષણ કરવાની મુશ્કેલી પડે છે. શરણાર્થીઓનું કહેવું છે કે સરકાર તેમની સુરક્ષાની તકેદારી રાખે છે પરંતુ, માત્ર તેટલું પૂરતું નથી. તેઓ તેમને મળતી મદદ પરની નિર્ભરતાને ઘટાડવા માટે ખેતી કરી શકાય તેટલી જમીન મળે તેવું ઈચ્છે છે અને યુગાન્ડામાં તેમના પરિવારો માટે હકીતમાં સ્વતંત્ર અને વધુ સંતોષજનક જીવન મળે તેમ ઈચ્છે છે.