કમ્પાલાઃ સારા હવામાનને લીધે યુગાન્ડામાં ૨૦૨૦માં કોફીની નિકાસમાં ૯૭૨,૯૬૨ બેગનો વધારો થયો હતો જે ૨૦૧૯ કરતાં ૨૨ ટકા વધારો સૂચવે છે. આ નિકાસમાં યુગાન્ડાને ૫૧૫.૯૪ મિલિયન ડોલરની આવક થઈ હતી. તે જથ્થામાં ૨૨ ટકા અને આવકમાં ૧૮ ટકાનો વધારો દર્શાવે છે. એકલા ડિસેમ્બરમાં જ ૩૭.૭૮ મિલિયન ડોલરના મૂલ્યની ૪૨૨,૯૨૨ બેગ્સની નિકાસ થઈ હતી.
યુગાન્ડા કોફી ડેવલપમેન્ટ ઓથોરિટી (UCDA) મુજબ ૧૯૯૧થી અત્યાર સુધીનો આ સૌથી વધુ ઉછાળો છે. તેની સૌથી વધુ નિકાસ ઈટાલીમાં અને તે પછી જર્મની, સુદાન, બેલ્જિયમ અને ભારતમાં થાય છે. આફ્રિકામાં આ કોફીનો વપરાશ કરતા દેશોમાં સુદાન, મોરોક્કો, કેન્યા, અલ્જિરિયા, ઈજિપ્ત, સાઉથ આફ્રિકા અને સાઉથ સુદાનનો સમાવેશ થાય છે. UCDAના આંકડા પ્રમાણે જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૬૦ કિલોની ૫,૪૯૨,૫૨૫ બેગની નિકાસ થઈ હતી. ૨૦૧૯માં ૪,૫૧૯,૫૬૩ બેગની નિકાસ દ્વારા ૪૩૬.૫૪ મિલિયન ડોલરની આવક થઈ હતી.