યુગાન્ડામાં કોવિડની નવી લહેરની ભીતિ વચ્ચે વેક્સિનેશન માટે સંઘર્ષ

Wednesday 01st September 2021 06:06 EDT
 
 

કમ્પાલાઃ યુગાન્ડાના હેલ્થ મિનિસ્ટર ડો. જેન રુથ એસેંગે તાજેતરમાં જણાવ્યું હતું કે દુનિયાના સમૃદ્ધ દેશો વેક્સિનનો જથ્થો લઈ લેતા હોવાથી યુગાન્ડાને ૨૨ મિલિયન લોકોને વેક્સિન આપવાના લક્ષ્યને પહોંચી વળવા વેક્સિન મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.
તેમણે ઉમેર્યું કે વેક્સિનની ઉપલબ્ધતા જ દેશમાં વેક્સિનેશનની ઝડપ નક્કી કરશે. તેમણે ઉમેર્યું કે સબ સહારન આફ્રિકાના જે વિસ્તારોમાં લોકો વેક્સિન લીધા વિના રહેશે તો કદાચ ત્યાંથી જ નવા વેરિઅન્ટ ઉદભવશે અને વિક્સિત દુનિયાના લોકોના સ્વાસ્થ્યને તેનાથી ખતરો ઉભો થઈ શકે.    
તેમણે જણાવ્યું કે વેક્સિન મેળવવા માટે સરકાર બહુપાંખીય અભિગમ અપનાવી રહી છે. સરકાર કોવેક્સ પ્રોગ્રામ મારફતે ડોનેશન મેળવી રહી છે તેમજ અન્ય ઘણાં સ્રોતો પાસેથી વેક્સિન ખરીદી રહી છે.  
યુગાન્ડા અને અન્ય ગરીબ દેશોમાં તાકીદે પહેલો અને બીજો ડોઝ મેળવવાની  જરૂર અને સમૃદ્ધ દેશોમાં બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત આ બન્ને વચ્ચે ભારે વિરોધાભાસ છે.    
દુનિયામાં ત્રીજો ડોઝ આપવાની શરૂઆત થાય તે પહેલા ગરીબ દેશો માટે ડોઝ છૂટા કરવાની વિનંતી કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને આફ્રિકન યુનિયનના અન્ય દેશો સાથે યુગાન્ડાના કોવિડ – ૧૯ મેનેજર ડો. મિસાકી વાયેન્ગેરા જોડાયા હતા.  
યુગાન્ડાને અત્યાર સુધી એસ્ટ્રાઝેનેકાના બે મિલિયન અને ચીને વિક્સાવેલી સાઈનોવેક વેક્સિનના ત્રણ લાખ ડોઝ જ મળ્યા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter