યુગાન્ડામાં ચાર નાના બાળકોના હત્યારાને મોતની સજા

Tuesday 05th May 2026 13:47 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાની કોર્ટે રાજધાની કમ્પાલાની નર્સરી સ્કૂલમાં ચાર નાના બાળકોની હત્યા કરવાના ગુનામાં 39 વર્ષીય ક્રિસ્ટોફર ઓકેલો ઓન્યુમને 30 એપ્રિલે મોતની સજા ફરમાવી હતી.

આ હુમલો 2 એપ્રિલે કરાયો હતો. આ હુમલાથી લોકોમાં ભારે રોષ તેમજ શાળાઓમાં બાળકોની સલામતી સંદર્ભે ચિંતા સર્જાઈ હતી. ઓન્યુમેએ બે અને ત્રણ વર્ષના ચાર બાળકોને છરીથી રહેંસી નાખ્યા હતા. આ પછી, ગાર્ડે તેને કાબુમાં લીધો હતો. હત્યારા ઓન્યુમેને અટકમાં લેવાયો તે પહેલાં રોષે ભરાયેલા પેરન્ટ્સે તેને માર મારવાનો પ્રયાસ કર્યો હતો.

ઓન્યુમે તે હત્યા માટે દોષિત નહિ હોવાનું જણાવ્યું હતું અને તેના એક વકીલે એવી દલીલ કરી હતી કે ઘણા સમયથી માનસિક રીતે અસ્થિર હોવાથી અને સાઈકિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર લેતો હોવાથી તેને છોડી મૂકાવો જોઈએ. ટ્રાયલ દરમિયાન, ઓન્યુમે સતત હસી રહ્યો હતો. જોકે, જજ એલિસ કોમુહાંગી ખાઉખાએ માનસિક અસ્થિરતાની દલીલ નકારી કાઢતાં કહ્યું હતું કે સાત મિનિટથી ઓછાં સમયમાં કરાયેલો હુમલો કાળજી સાથે પ્લાન કરાયો હતો. જજે એમ પણ કહ્યું હતું કે તપાસ દરમિયાન ઓન્યુમેના ફોન અને લેપટોપમાં ‘મારી નજીકની શાળાઓ’ અને ઈસ્લામિક સ્ટેટ ગ્રૂપ સંબંધિત ‘ISIS શિરોચ્છેદ’નો સમાવેશ સર્ચ કરાયેલી બાબતોમાં થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter