કમ્પાલાઃ યુગાન્ડામાં પ્રવાસન ઉદ્યોગમાં તેજી આવવાથી પર્વતીય ગોરીલાઓની જાળવણીમાં પણ વધારો થયો છે. એક સમયે ગોરિલાઓની કત્લેઆમ ચલાવતા ગેરકાયદે શિકારીઓ પણ પ્રવાસનના આર્થિક ફાયદાઓના કારણે હવે તેમના સંરક્ષણમાં જોડાઈ ગયા છે. આમ ગોરિલા અને પ્રવાસન ઉદ્યોગ બંનેને ફાયદો થયો છે.
બીમાર અથવા ઈજાગ્રસ્ત ગોરિલાના સમાચારથી પર્વતીય ક્ષેત્રોના રહેવાસીઓમનાં ચિંતા ફેલાય છે. નાના મોટા ગોરિલાઓનું નામકરણ થાય છે, જેના પરિણામે રેન્જર્સ અને અન્ય લોકો પ્રાણીઓની પીડામાં સહભાગી બને છે. યુગાન્ડામા યુનેસ્કો હેરિટેજ સાઈટ બ્વિન્ડી ઈમ્પેનેટ્રેબલ નેશનલ પાર્ક ગેરકાયદે શિકાર એટલે કે પોચિંગનું લગભગ અસ્તિત્વ જ રહ્યું નથી. ગોરિલાઓના સંરક્ષણથી કેટલો ફાયદો થાય છે તે હવે લોકોને સમજાયું છે. ગોરિલા પણ માનવવસ્તીની હાજરીથી ગભરાતા નથી કે હુમલા કરતા નથી.
પ્રવાસીઓ ગોરિલાઓને તેમના કુદરતી વસવાટમાં નિહાળવા 800 ડોલર જેટલી ભારે ફી નચૂકવે છે. દરેક પરમિટમાંથી 10 ટકા જેટલી રકમ સ્થાનિક રહેવાસીઓને ચૂંટાયેલા નેતાઓ મારફત પરત મળે છે. આ રકમનું રોકાણ જળવિતરણથી માંડી હેલ્થકેરના પ્રોજેક્ટ્સમાં થતું રહે છે. સ્થાનિક કોમ્યુનિટીઓને તમામ નેશનલ પાર્કને મળતી વાર્ષિક એન્ટ્રી ફીના 20 ટકા રકમ મળતી રહે છે. આમ, અન્ય કોઈ પ્રાણીની સરખામણીએ પ્રાઈમેટ્સ એટલે ગોરિલાઓ વધુ મહત્ત્વ ધરાવતાં થયાં છે. 2018 પછી યુગાન્ડામાં માઉન્ટેન ગોરિલાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે.
• રોબર્ટ મુગાબેના પુત્ર સામે ડ્રગ્સના આરોપ
ઝિમ્બાબ્વેના પુર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેના 33 વર્ષીય પુત્ર રોબર્ટ મુગાબે જુનિયરને ડ્રગ્સ રાખવાના અપરાધમાં હરારે કોર્ટમાં હાજર કરાયા હતા. ગત બુધવારે રોબર્ટ મુગાબે જુનિયર વન વે સ્ટ્રીટમાં રોંગ સાઈડમાં વાહન હંકારી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમની કાળી સ્લિંગ બેગની તપાસ કરતા તેમાંથી ગાંજાના બે પડીકાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર તેમની સિન્ડિકેટના અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરાઈ હતી. મુગાબેના વકીલે આરોપો નકારી કહ્યું હતું કે પોલીસના દાવાને પડકારાશે. કોર્ટે મુગાવેને રિમાન્ડમાં મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વે પર 37 વર્ષના આપખુદ શાસન પછી રોબર્ટ મુગાબેએ 2017માં હોદ્દો છોડવો પડ્યો હતો અને બે વર્ષ પછી 2019માં 95 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું.